News of Saturday, 29th August 2026
સ્મશાનગૃહમાં પુજારીને દાનમાં મળેલા વાસણોની ચોરી
લ્યો બોલો, તસ્કરોએ તો હવે હદ વટાવી! : મુક્તિધામ સ્મશાનગૃહમાંથી પૂજારીના દાનમાં મળેલા પિત્તળ અને કાંસાના વાસણો ચોરાયા

અમદાવાદ,તા.૨૯: અત્યાર સુધી ઘરમાં, દુકાનમાં અને ફેક્ટરીમાં ચોરીના કિસ્સા સામે આવ્યા હતા. પરંતુ હવે તો તસ્કરોએ તો હદ કરી નાંખી સ્મશાનગૃહમાં ચોરીને અંજામ આપ્યો હોવાનો વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઇસનપુરમાં આવેલ મુક્તિધામ સ્મશાનમાં ગૃહમાં પુજારીના ધાબે મુકેલ પીતળ, અને કાંસાના વાસણો ભરેલ કોથળો ચોરાઈ ગયો છે. આ અંગે પુજારીએ પોલીસ ફરિયાદ નોંધાવતા તપાસ શરુ કરાઈ છે.
આ મામલે ઇસનપુરમાં આવેલા મુક્તિધામ સ્માશાન ગૃહમાં પુજારી તરીકે વર્ષોથી કામ કરતા રમેશભાઈ વેગડે નોંધાવેલી ફરિયાદમાં વિગત એ પ્રકારની છે કે, ગુરુવારની સવારે આશરે દસ વાગ્યે વાસણામાં રહેતી તેમની બહેનના ઘરે સંબંધીનું મરણ થયું હતું. આથી પુજારી રમેશભાઈ તેમની બહેનના ઘરે પહોંચ્યા હતા. અને તમામ વિધિ પૂરી કરીને સાંજે આશરે સાડા પાંચેક વાગ્યાના અરસામાં તેઓ પાછા ઇસનપુર સ્મશાનમાં તેમના ઘરે આવ્યા હતા.
આ સમયે પુજારીના દીકરાએ તેમને જણાવ્યું કે, તમે ઘરેથી નીકળ્યા ત્યારબાદ હું આપણા ઘરની પાછળ હાથ-મોં ધોવા માટે ગયો હતો. ત્યારે આપણા ઘરની પાછળ પડેલા વાસણો ઓછા જણાઈ આવ્યા છે. દીકરાએ આટલું બોલતાની સાથે જ પુજારીને ચોરી થયાની શંકા આવી ગઈ હતી. એટલે રમેશભાઈ તુરંત તેમની સાથે કામ કરતા સુમિત મરાઠીને ઘરના ધાબા પર મુકેલ વાસણનો કોથળો તપાસવાનું જણાવ્યું હતું. આથી સુમિત ધાબે પહોંચ્યો અને જોયું તો એકપણ વાસણનો કોથળો હાજર મળી આવ્યો નહતો.
ફરિયાદમાં ઉલ્લેખ મુજબ, તાંબા, પીતળ અને કાંસા તથા સ્ટીલના વાસણો લોકો પુજારીને દાનમાં આપતા હોય છે. રમેશ ભાઈ તે તમામ વાસણો એકઠા કરીને કોથળામાં ભરીને ઘરના ધાબે મૂકી રાખતા હતા અને આ દાનમાં આવેલા વાસણો તસ્કરો ચોરી ગયા હોવાની શંકા પુજારીએ વ્યક્ત કરી છે, આ અંગે પુજારીએ ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરુ કરી છે
(10:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
