News of Monday, 31st August 2026
કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલના કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો : ₹૮૪,૦૮૪ કરોડની ‘સમુદ્ર મંથન’ યોજના માત્ર અદાણી જૂથના લાભાર્થે બનાવ્યાનો ગંભીર આરોપ
જાહેર સાહસ ONGCને બદલે પ્રાઇવેટ કંપનીઓને ખર્ચના ૫૦ ટકા રકમ આપવા સામે વિરોધ : ભૂતકાળમાં GSPCમાં થયેલા ₹૨૭,૦૦૦ કરોડના કૌભાંડની જ્યુડિશિયલ તપાસ અને યોજના રદ કરવા માંગણી

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર: કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને પૂર્વ રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે અખબારી યાદી જારી કરીને કેન્દ્રની ભાજપ સરકાર પર ગંભીર નીતિગત અને નાણાકીય આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું છે કે કેન્દ્ર સરકારની નીતિઓ અને નાણાંની ફાળવણી દેશના વિકાસ, યુવાનોના રોજગાર કે કૃષિ કલ્યાણ માટે નહીં, પરંતુ માત્ર પોતાના મિત્ર અદાણી જૂથના ફાયદા માટે હોય છે. તાજેતરમાં કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂર કરવામાં આવેલી ‘સમુદ્ર મંથન’ યોજના પણ ₹૮૪,૦૮૪ કરોડના મોટા ભ્રષ્ટાચારની યોજના છે, જેનાથી દેશની જનતાના ભાગે ઝેર અને અદાણીના ભાગે અમૃત આવશે.
ગોહિલે ભૂતકાળના કિસ્સા ટાંકીને જણાવ્યું હતું કે, જ્યારે વર્તમાન પ્રધાનમંત્રી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે GSPC (ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન) દ્વારા આ જ પ્રકારે ₹૨૭,૦૦૦ કરોડનો ભ્રષ્ટાચાર થયો હતો, જેના વિશે CAG ના રિપોર્ટમાં સિલસિલાબદ્ધ વિગતો જાહેર કરવામાં આવી હતી. દરિયામાં કાગળ પર બતાવાયેલા કૂવાઓમાંથી એક ટીપું પણ ઓઈલ કે ગેસ મળ્યો ન હતો. હવે ૧ ઓગસ્ટના રોજ મંજૂર થયેલી ‘સમુદ્ર મંથન’ યોજનામાં પ્રથમ ફેઝ હેઠળ ૨૦૩૧ સુધીમાં ₹૮૪,૦૮૪ કરોડ ફાળવાયા છે, જેમાં ગેસ કે ઓઈલ શોધવા માટે ખાનગી કંપનીઓ જે ખર્ચ કરે તેના ૫૦ ટકા રકમ સીધી સરકારી તિજોરીમાંથી આપી દેવાશે. દરિયામાં ₹૬૭૫ કરોડના અંદાજિત ખર્ચે બનતા કૂવાનું કામ કેટલું થયું કે નહીં તે સામાન્ય વ્યક્તિ જોઈ શકતો ન હોવાથી મધ્ય દરિયે ભયમુક્ત ભ્રષ્ટાચાર આચરવાનો માર્ગ મોકળો કરાયો છે.
તેમણે વધુમાં વિગતો આપતાં જણાવ્યું કે, અદાણી વેલસ્પન એક્સપ્લોરેશન લિમિટેડ (AWEL) માં અદાણી ગ્રુપનો ૬૫ ટકા અને વેલસ્પન ગ્રુપનો ૩૫ ટકા હિસ્સો છે. આ કંપની પાસે મુંબઈ ઓફશોર બેઝીનમાં ૨ અને કચ્છમાં ૧ મળી કુલ ૩ બ્લોક છે. આ કંપનીએ ૨૦૨૯ સુધીમાં મોટા પાયે ઓઈલ અને ગેસ ખોદાણની જાહેરાત કરી છે, તેમજ તેના મેનેજિંગ ડિરેક્ટર સંદીપ ગર્ગે પણ વેબસાઈટ પર સરકારી પોલિસીનો મોટો ફાયદો મળવાનો ઉલ્લેખ કર્યો છે. યોજનામાં દર્શાવેલ કોમન પાઈપલાઈનની જોગવાઈ પણ અદાણીના લાભાર્થે જ રાખવામાં આવી છે.
કોંગ્રેસ પક્ષ દ્વારા માંગણી કરવામાં આવી છે કે:
૧. ‘સમુદ્ર મંથન’ યોજના તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે.
૨. ₹૮૪,૦૮૪ કરોડ જેવી માતબર રકમ પ્રાઇવેટ કંપનીઓને આપવાને બદલે દેશના અનુભવી જાહેર સાહસ ONGC ને સોંપવામાં આવે.
૩. ગુજરાતમાં GSPC ના ₹૨૭,૦૦૦ કરોડના ખર્ચ અને એક પણ ટીપું ઓઈલ ન મળવા અંગે CAG એ ઉઠાવેલા મુદ્દાઓની જ્યુડિશિયલ તપાસ થાય.
૪. દેશમાંથી મળતા ઓઈલ-ગેસના જથ્થામાં છેલ્લા ત્રણ વર્ષમાં થયેલા ઘટાડા અંગે સ્પષ્ટતા થાય.
૫. યુવાનો બેરોજગાર છે ત્યારે કોઈ પણ રોજગાર ઉત્પન્ન ન કરતી યોજના પાછળ પ્રાઇવેટ કંપનીઓને અબજો રૂપિયા આપવાનું બંધ કરવામાં આવે.
(1:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
