<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st September 2026

ગુજરાતમાં ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસને વેગ આપવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો મોટો નિર્ણય : GIDC પ્લોટ ધારકો માટે સ્ટેમ્પ ડ્યુટીમાં ૮૦ ટકા સુધીની રાહત આપતી એમ્નેસ્ટી સ્કીમ જાહેર

MSME ઉદ્યોગોને જૂના બાકી સ્ટેમ્પ ડ્યુટીના કેસોમાં મોટો નાણાકીય ફાયદો થશે : અપીલ અને કોર્ટ કેસો ધરાવતા એકમોને પણ નિયમોને આધીન યોજનાનો લાભ મળશે

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર: રાજ્યમાં ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસને વધુ વેગ આપવા અને ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન આપવાના હેતુથી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. GIDC ના પ્લોટ ધારકો અને MSME ઉદ્યોગકારો સમક્ષ ઉપસ્થિત થયેલા સ્ટેમ્પ ડ્યુટી અને પેનલ્ટીના પ્રશ્નોનો સંવેદનાપૂર્વક ઉકેલ લાવવા માટે ‘GIDC એમ્નેસ્ટી યોજના’ અમલમાં મુકવાની જાહેરાત કરવામાં આવી છે.

GIDC ના પ્લોટ ધારકો દ્વારા ઔદ્યોગિક પ્લોટ કે શેડની ફેરબદલી સમયે રજિસ્ટર્ડ લીઝ ડીડ કરવાને બદલે માત્ર એલોટમેન્ટ લેટર કે સપ્લીમેન્ટરી એગ્રીમેન્ટ આપવામાં આવતા હતા, જેથી ભૂતકાળમાં યોગ્ય સ્ટેમ્પ ડ્યુટી ભરપાઈ થઈ ન હતી. રાજ્ય સરકારે તા. ૦૨/૦૪/૨૦૨૫ થી ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ, ૧૯૫૮ માં સંકલિત સુધારા કર્યા છે. જે અંતર્ગત કલમ-૩૯ (૧)(ખ) મુજબ ખૂટતી સ્ટેમ્પ ડ્યુટી પર દર મહિને ૨% સાદા વ્યાજ લેખે ખૂટતી ડ્યુટીના ચાર ગણા સુધીનો દંડ અને તપાસ દરમિયાન જપ્ત કરાયેલા લેખ પર દર મહિને ૩% સાદા વ્યાજ લેખે છ ગણા સુધીનો દંડ વસૂલવાની જોગવાઈ ૧૦/૦૪/૨૦૨૫ થી અમલી બની હતી. આના પરિણામે વર્તમાન માલિકો પર જૂના વ્યવહારોનો ભારે દંડ અને સ્ટેમ્પ ડ્યુટી ભરવાનો આર્થિક બોજ આવ્યો હતો.

MSME એકમોને ૮૦% સુધીની સ્ટેમ્પ ડ્યુટીમાં માફી:
ઉદ્યોગકારો અને GIDC એસોસિએશન્સની રજૂઆતોને ધ્યાને રાખીને જાહેર કરાયેલી એમ્નેસ્ટી સ્કીમ હેઠળ પાત્ર કિસ્સાઓમાં લાગુ પડતી સ્ટેમ્પ ડ્યુટીમાંથી ૮૦% સુધીની રકમ માફ કરવામાં આવશે અને માત્ર ૨૦% સ્ટેમ્પ ડ્યુટી તથા લાગુ પેનલ્ટી વસૂલવામાં આવશે. જોકે, જ્યાં ૨૦% ડ્યુટી અને પેનલ્ટીની કુલ રકમ મૂળ સ્ટેમ્પ ડ્યુટી કરતાં ઓછી થતી હોય, ત્યાં મૂળ સ્ટેમ્પ ડ્યુટી જેટલી રકમ વસૂલવામાં આવશે.

યોજનાની મુખ્ય બાબતો અને પાત્રતા:
  લાભાર્થીઓ: માન્ય ઉદ્યમ સર્ટિફિકેટ ધરાવતા MSME એકમોને મુખ્યત્વે આ યોજનાનો લાભ મળશે. તા. ૩૦ જૂન, ૨૦૨૫ સુધી થયેલા પાત્ર એલોટમેન્ટ લેટર, શેર ટ્રાન્સફર, ભાડાપટ્ટા/પેટા ભાડાપટ્ટા અને મિલકત ફેરબદલીના વ્યવહારોનો આમાં સમાવેશ થાય છે.
  નોંધણી ફરજિયાત: રાહત મેળવનારા વર્તમાન ફાળવણીદારે સ્ટેમ્પ ડ્યુટી તથા પેનલ્ટી ભરીને સંબંધિત મિલકતની કાયદેસરની નોંધણી કરાવવી ફરજિયાત રહેશે.
  અપીલ અને કોર્ટ કેસો: સક્ષમ સત્તા સમક્ષ અપીલ કરીને ૨૫% રકમ જમા કરાવી હોય તેવા કિસ્સાઓમાં શરતોને આધીન લાભ મળશે. કોર્ટમાં પિટિશન દાખલ કરેલી હોય તો પિટિશન પરત ખેંચવાની શરતે આ યોજનાનો લાભ મેળવી શકાશે.
  ૦૧/૦૧/૨૦૧૮ પૂર્વેના વ્યવહારો: તા. ૦૧/૦૧/૨૦૧૮ પહેલાં થયેલી તબદીલીઓમાં છેલ્લી તબદીલીના લેખ ઉપર નક્કી થતી બજાર કિંમત આધારે લાગુ ડ્યુટીમાં ૮૦% રાહત આપી ૨૦% ડ્યુટી તથા પેનલ્ટી વસૂલાશે. તા. ૦૧/૦૧/૨૦૧૮ કે ત્યારબાદ થયેલી તબદીલીઓમાં પણ ૮૦% રાહતનો પ્રસ્તાવ છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના આ નિર્ણયથી જૂના બાકી વ્યવહારોનો ઉકેલ આવશે, રાજ્ય સરકારને સ્ટેમ્પ ડ્યુટીની વસૂલાત ઝડપી બનશે અને રાજ્યમાં પારદર્શક વહીવટ સાથે નવા ઉદ્યોગોની સ્થાપના તથા વિસ્તરણ માટે અનુકૂળ વાતાવરણ નિર્માણ થશે.

 

(6:04 PM IST)