News of Sunday, 27th September 2026
આ પાસ નહીં પરંતુ ઓનલાઈન ટોકન સિસ્ટમ છે. લોકોને સરકારી કચેરીના ધક્કા ન ખાવા પડે તે માટે વ્યવસ્થા કરાઈ: હર્ષભાઈ સંઘવી
વાઈબ્રન્ટ નવરાત્રિમાં પાસ સિસ્ટમને લઈને વિપક્ષના આક્ષેપો વચ્ચે નાયબ મુખ્યમંત્રીએ સ્પષ્ટતા કરી:દિવ્યાંગ બાળકો અને ગામડાના લોકોને મફત લાવવા-લઈ જવાની સુવિધા પણ આપવામાં આવશે

અમદાવાદમાં યોજાનારી વાઈબ્રન્ટ નવરાત્રિમાં પ્રવેશ માટેની પાસ સિસ્ટમને લઈને રાજકીય આક્ષેપ-પ્રતિઆક્ષેપ શરૂ થયા છે. વિપક્ષ દ્વારા પાસ વ્યવસ્થાને લઈને સવાલો ઉઠાવવામાં આવ્યા છે. આ મામલે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ નિવેદન આપી સમગ્ર વ્યવસ્થા અંગે સ્પષ્ટતા કરી છે.
નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું કે વાઈબ્રન્ટ નવરાત્રિ માટે જે વ્યવસ્થા કરવામાં આવી છે, તેને પાસ સિસ્ટમ તરીકે જોવી યોગ્ય નથી. તેમણે સ્પષ્ટ કર્યું કે આ ટોકન સિસ્ટમ છે. આ વ્યવસ્થાનો હેતુ લોકોને સરકારી કચેરીઓના ધક્કા ખાવા ન પડે અને તેઓ સરળતાથી ઓનલાઈન પ્રક્રિયા મારફતે ટોકન મેળવી શકે તેવો છે.
નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે નાગરિકોને કોઈ સરકારી ઓફિસમાં જઈને લાંબી પ્રક્રિયામાંથી પસાર થવાની જરૂર ન પડે તે માટે ઓનલાઈન ટોકનની વ્યવસ્થા કરવામાં આવી છે. આથી લોકો પોતાના સ્થળેથી જ જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરી શકે અને કાર્યક્રમમાં હાજરી માટેની વ્યવસ્થા સરળતાથી મેળવી શકે તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે.
વાઈબ્રન્ટ નવરાત્રિમાં માત્ર પ્રવેશ વ્યવસ્થા જ નહીં, પરંતુ વિવિધ વર્ગના લોકોને કાર્યક્રમ સાથે જોડવા માટે પણ ખાસ આયોજન કરવામાં આવ્યું હોવાનું હભાઈર્ષ સંઘવીએ જણાવ્યું. ખાસ કરીને દિવ્યાંગ બાળકોને મફતમાં કાર્યક્રમ સ્થળ સુધી લાવવા અને પરત લઈ જવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
હર્ષભાઈ સંઘવીએ વધુમાં જણાવ્યું કે શહેરની બહારના એટલે કે ગામડાના લોકો પણ વાઈબ્રન્ટ નવરાત્રિનો આનંદ માણી શકે તે માટે તેમને મફતમાં લાવવા-લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ વ્યવસ્થાનો હેતુ વિવિધ વિસ્તારોના લોકોને કાર્યક્રમ સાથે જોડવાનો હોવાનું તેમણે જણાવ્યું.
(5:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
