<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th July 2026

અમદાવાદમાં ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ કેસમાં ઝડપાયેલા આરોપીઓના 7 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા

હવે પોલીસ આરોપીઓની હાજરીમાં ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરીને બ્લાસ્ટ કેવી રીતે થયો અને સમગ્ર ઘટનાક્રમ કેવી રીતે બન્યો તેની વિગતવાર તપાસ કરશે.

અમદાવાદમાં ફટાકડા ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટ કેસમાં મહત્વપૂર્ણ કાનૂની કાર્યવાહી સામે આવી છે. કોર્ટે કેસમાં ઝડપાયેલા આરોપીઓના 7 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. હવે પોલીસ આરોપીઓની હાજરીમાં ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરીને બ્લાસ્ટ કેવી રીતે થયો અને સમગ્ર ઘટનાક્રમ કેવી રીતે બન્યો તેની વિગતવાર તપાસ કરશે.

પોલીસના જણાવ્યા અનુસાર, રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીઓ પાસેથી ઘટનાસ્થળ પર અનેક મહત્વપૂર્ણ વિગતો મેળવવાનો પ્રયાસ કરવામાં આવશે. બ્લાસ્ટનું ચોક્કસ કારણ, સુરક્ષા નિયમોનું પાલન થયું હતું કે નહીં અને ઘટનામાં કોઈ બેદરકારી રહી હતી કે કેમ તે મુદ્દાઓ પર પણ તપાસ કેન્દ્રિત રહેશે.

રિકન્સ્ટ્રક્શન પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ઘટનાસ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. પોલીસ અધિકારીઓ, ફોરેન્સિક ટીમ અને તપાસ સાથે સંકળાયેલા અન્ય અધિકારીઓની હાજરીમાં સમગ્ર કાર્યવાહી હાથ ધરાશે.

આ કેસમાં અત્યાર સુધી મળેલા પુરાવા અને આરોપીઓની પૂછપરછના આધારે પોલીસ વધુ મહત્વપૂર્ણ કડીઓ જોડવાનો પ્રયાસ કરી રહી છે. રિકન્સ્ટ્રક્શન બાદ તપાસમાં નવા ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે

અમદાવાદમાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલા ભયાનક બ્લાસ્ટ કેસમાં પોલીસે મોટી કાર્યવાહી કરતાં ત્રણ મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે મુખ્ય આરોપી મેહુલ ડોડિયા, રમીલા ડોડિયા અને સાદ્દીક સૈયદની ધરપકડ કરીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આ સમગ્ર કેસની તપાસ દરમિયાન અનેક ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે, જેના આધારે પોલીસે વધુ તપાસ પણ તેજ કરી છે.

(10:30 PM IST)