News of Friday, 15th May 2026
સુરતના અમરોલી વિસ્તારમા 17 વર્ષીય કિશોરીએ એસિડ પીને પોતાનું જીવન ટૂંકાવી દીધું : સમલૈંગિક સંબંધો અને મિત્ર સાથે રહેવાની જીદને લઈને સર્જાયેલા વિવાદમાં અંતિમ પગલું ભરાયું હોવાનું પ્રાથમિક તારણ
મહિલા મિત્ર કિશોરીને વારંવાર ફોન કરીને પોતાની સાથે રહેવા આવવા માટે સતત દબાણ કરતી હતી :; પરિવારે દાવો કર્યો કે આ માનસિક દબાણ અને પરિવાર સાથેના સંઘર્ષને કારણે કિશોરીએ અંતે કંટાળીને એસિડ પી લીધું

સુરત તા.૧૫ : સુરતના અમરોલી વિસ્તારમાંથી એક અત્યંત કરુણ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક 17 વર્ષીય કિશોરીએ એસિડ પીને પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. સમલૈંગિક સંબંધો અને મિત્ર સાથે રહેવાની જીદને લઈને સર્જાયેલા વિવાદમાં આ અંતિમ પગલું ભરાયું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને સુરત પોલીસે આ મામલે ઉંડી તપાસ શરૂ કરી છે.
જીદ બની જીવલેણ
અમરોલીમાં રહેતી આ સગીર વયની કિશોરીને તેની એક મહિલા મિત્ર સાથે રહેવું ખૂબ ગમતું હતું. કિશોરી તેની સખી સાથે રહેવાની જીદ કરી રહી હતી, પરંતુ સામાજિક મર્યાદાઓ અને પારિવારિક કારણોસર તેના પરિવારે આ વાતનો સખત વિરોધ કર્યો હતો. છેલ્લા ઘણા સમયથી કિશોરી તેની મિત્ર સાથે રહેવા માટે પરિવારને વિનંતી કરતી હતી, પરંતુ પરિવારના ઈનકારને કારણે તે માનસિક રીતે ભાંગી પડી હતી અને ભારે નિરાશામાં જીવતી હતી.
પરિવારનો મહિલા મિત્ર પર ગંભીર આક્ષેપ
કિશોરીના પરિવારે આ મામલે તેની સખી મિત્ર પર ગંભીર આક્ષેપો કર્યા છે. પરિવારનું કહેવું છે કે, તે મહિલા મિત્ર કિશોરીને વારંવાર ફોન કરીને પોતાની સાથે રહેવા આવવા માટે સતત દબાણ કરતી હતી. પરિવારે દાવો કર્યો છે કે આ માનસિક દબાણ અને પરિવાર સાથેના સંઘર્ષને કારણે કિશોરીએ અંતે કંટાળીને એસિડ પી લીધું હતું. એસિડ પીધા બાદ કિશોરીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
અમરોલી પોલીસની તપાસ તેજ
આપઘાતની આ ઘટનાની જાણ થતા જ અમરોલી પોલીસનો કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચી ગયો હતો. પોલીસે કિશોરીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને આપઘાતનો ગુનો નોંધ્યો છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે શું ખરેખર મહિલા મિત્ર દ્વારા કોઈ પ્રકારની ધમકી કે ઉશ્કેરણી કરવામાં આવી હતી? પોલીસ કિશોરીના મોબાઈલ કોલ ડિટેલ્સ અને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની પણ તપાસ કરી શકે છે જેથી સત્ય બહાર આવી શકે.
સમાજ અને કિશોરોની માનસિકતા
આ ઘટના ફરી એકવાર સમાજ અને વાલીઓ માટે લાલબત્તી સમાન છે. કિશોરાવસ્થામાં થતા શારીરિક અને માનસિક ફેરફારો તેમજ સંબંધો પ્રત્યેના આકર્ષણને કારણે ઘણીવાર આવી કટોકટી સર્જાતી હોય છે. નિષ્ણાતોના મતે, જ્યારે બાળકો આવી સંવેદનશીલ બાબતોમાં મક્કમ હોય, ત્યારે તેમની સાથે સંવાદ સાધવો અને કાઉન્સેલિંગ કરાવવું અનિવાર્ય છે. માત્ર દબાણ કે ઈનકાર ઘણીવાર આવા જીવલેણ પરિણામો તરફ દોરી જાય છે.
(4:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
