News of Saturday, 10th October 2026
અમદાવાદીઓ માટે નવરાત્રિની મોટો ભેટ: એસ.જી. હાઈવે પર દોઢ વર્ષથી બંધ કર્ણાવતી ક્લબથી YMCA સુધીનો રોડ આખરે ખુલ્લો મુકાયો
ગરબા રસિકો અને વાહનચાલકોને ટ્રાફિક જામમાંથી મળશે મોટી મુક્તિ; NHAI ના સંકલનથી નવરાત્રિ પૂર્વે માર્ગ ચાલુ કરાયો

અમદાવાદ : આવતીકાલથી શક્તિ ઉપાસનાના પવિત્ર અશ્વિન નવરાત્રિ પર્વનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે અમદાવાદ શહેરના વાહનચાલકો અને ખેલૈયાઓ માટે અત્યંત રાહતના સમાચાર સામે આવ્યા છે. એસ.જી. હાઈવે પર છેલ્લા દોઢેક વર્ષથી બંધ રહેલો કર્ણાવતી ક્લબથી YMCA સુધીનો મહત્વપૂર્ણ રસ્તો આજથી વાહનવ્યવહાર માટે વિધિવત્ રીતે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે. તંત્રના આ નિર્ણયથી નવરાત્રિના તહેવારોમાં ગરબાના સ્થળોએ જતાં હજારો લોકોને ટ્રાફિકની વિકટ સમસ્યામાંથી મોટી મુક્તિ મળશે.
એસ.જી. હાઈવે પર છેલ્લા બે વર્ષથી બ્રિજ નિર્માણનું કામ ચાલી રહ્યું હોવાને કારણે કર્ણાવતી ક્લબથી YMCA સુધીનો એક તરફનો માર્ગ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો હતો. આ રસ્તો મૂળ યોજના મુજબ દિવાળી સુધી ખુલ્લો કરવાનો હતો, પરંતુ એસ.જી. હાઈવે, એસ.પી. રિંગ રોડ, સિંધુ ભવન, બોપલ, શેલા અને ભાડજ જેવા વિસ્તારોમાં અનેક ક્લબ તથા પાર્ટી પ્લોટમાં ગરબાના મોટા આયોજનો થતા હોય છે. નવરાત્રિ દરમિયાન ખેલૈયાઓ ટ્રાફિકમાં ન ફસાય તે બાબતને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા આ રોડ વહેલો શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે.
અમદાવાદ પોલીસ કમિશનરે આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, બ્રિજની ઉપરનું કામ હજુ પ્રગતિ હેઠળ છે, પરંતુ NHAI (નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા) સાથે સતત સંકલન સાધીને માત્ર એક સપ્તાહના સમયગાળામાં બ્રિજની નીચેનો રસ્તો યુદ્ધના ધોરણે રિપેર કરાવવામાં આવ્યો હતો. ત્યારબાદ માર્ગ મકાન વિભાગના એન્જિનિયરો પાસેથી રસ્તો સંપૂર્ણ સુરક્ષિત હોવાનું ફિટનેસ સર્ટિફિકેટ મળ્યા બાદ જ તેને વાહનો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે એસ.જી. હાઈવેના આ ચોક્કસ માર્ગ પરથી દૈનિક આશરે બે લાખ જેટલા વાહનો પસાર થાય છે. રસ્તો બંધ હોવાના કારણે વાહનચાલકો અને સ્થાનિક રહીશોને લાંબુ ચક્કર મારીને જવું પડતું હતું, જેનાથી સમય અને બળતણ બંનેનો વ્યય થતો હતો. હવે નવરાત્રિ પૂર્વે જ માર્ગ ખુલ્લો થઈ જતાં દૈનિક અપ-ડાઉન કરતા લોકો અને રાત્રિના સમયે ગરબા માણવા નીકળતા ગરબારસિકોને સુગમ વાહનવ્યવહારનો મોટો લાભ મળશે.
(7:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
