News of Tuesday, 21st April 2026
અમદાવાદના શહેરકોટડા વિસ્તારમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપના એક કાર્યકરને લાફો ઝીકી દેવાતા તણાવનો માહોલ
ધીરજ રાઠોડ તેમના અન્ય કાર્યકરો સાથે પ્રચાર કરતા હતા ત્યારે હસમુખભાઈ વોરા ઉર્ફે કાલુ ગુલાબીએ વિરોધ કર્યો:તેમણે પ્રચાર અટકાવીને કાર્યકરને લાફો માર્યો હોવાનો આરોપ

અમદાવાદના શહેરકોટડા વિસ્તારમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપના કાર્યકર પર હુમલો થતાં વિસ્તારમાં તણાવનો માહોલ સર્જાયો છે. મળતી માહિતી મુજબ, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને નેતાઓ ચૂંટણી પ્રચાર માટે વિસ્તારમાં ગયા હતા, જ્યાં આ ઘટના બની. ફરિયાદી ધીરજ રાઠોડ તેમના અન્ય કાર્યકરો સાથે પ્રચાર કાર્ય કરી રહ્યા હતા ત્યારે હસમુખભાઈ વોરા ઉર્ફે કાલુ ગુલાબીએ તેમનો વિરોધ કર્યો હતો.
આરોપ છે કે તેમણે પ્રચાર અટકાવીને કાર્યકરને લાફો માર્યો હતો. આ અચાનક થયેલા હુમલા બાદ ત્યાં હાજર અન્ય કાર્યકરો તરત વચ્ચે પડ્યા અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી, જેથી વધુ મોટો વિવાદ ટળી ગયો. ઘટનાને લઈને વિસ્તારમાં થોડો સમય અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, ચૂંટણી પ્રચાર દરમિયાન બંને પક્ષ વચ્ચે બોલાચાલી બાદ મામલો હાથાપાઈ સુધી પહોંચી ગયો હતો.
આ સમગ્ર મામલે શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે અને પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ, ઘટનાના તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે અને જરૂરી પુરાવાઓ એકત્રિત કરવામાં આવી રહ્યા છે. આરોપીની ઓળખ અને તેની પૃષ્ઠભૂમિ અંગે પણ પૂછપરછ શરૂ કરવામાં આવી છે. સ્થાનિક રાજકીય વર્તુળોમાં આ ઘટનાને લઈને ચર્ચા તેજ બની છે..
(7:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
