<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th November 2026

વડનગર નજીક સુંઢિયા ગામ પાસે રાજસ્થાનથી દારૂ ભરીને આવેલી કારે બાઇકને ટક્કર મારતાં એક વ્યક્તિનું મોત : એક વ્યક્તિ ઘાયલ

અકસ્માત બાદ બુટલેગર ખેરાલુ વિસ્તારમાં કાર મૂકીને નાસી છૂટતાં સ્થાનિકોએ કારમાંથી દારૂની લૂંટાલૂંટ કરી

મહેસાણા જિલ્લામાં દારૂ ભરેલી કારની ટક્કરથી એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હોવાની ઘટના સામે આવી છે. રાજસ્થાન તરફથી દારૂનો જથ્થો ભરીને આવેલી કારે વડનગર તાલુકાના સુંઢિયા ગામ નજીક બાઈકને જોરદાર ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકસવાર એક વ્યક્તિનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો છે. અકસ્માત બાદ કારચાલક બુટલેગર કાર મૂકી ફરાર થઈ ગયો હતો.

 

મળતી માહિતી પ્રમાણે, રાજસ્થાનથી દારૂનો જથ્થો ભરીને એક કાર ગુજરાતમાં પ્રવેશી હતી. આ કાર વડનગરના સુંઢિયા ગામ નજીકથી પસાર થઈ રહી હતી ત્યારે બાઈક સાથે તેની ટક્કર થઈ હતી. ટક્કર એટલી ગંભીર હતી કે બાઇકસવાર બે વ્યક્તિઓ અકસ્માતનો ભોગ બન્યા હતા. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે અન્ય એક વ્યક્તિને ઇજાઓ પહોંચી છે. અકસ્માતને પગલે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

 

 

બાઈકને ટક્કર માર્યા બાદ કારચાલક ઘટનાસ્થળેથી કાર સાથે ફરાર થઈ ગયો હતો. પ્રાથમિક માહિતી પ્રમાણે, કારમાં દારૂનો જથ્થો ભરેલો હતો. અકસ્માત સર્જીને નાસી છૂટેલા બુટલેગરે ખેરાલુ વિસ્તારમાં દારૂ ભરેલી કાર મૂકી દીધી હતી અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. કારમાં દારૂનો જથ્થો હોવાની જાણ થતાં સ્થાનિક લોકોનાં ટોળાં એકઠાં થયાં હતાં. ત્યારબાદ કારમાંથી દારૂની લૂંટાલૂંટ થઈ હોવાની વિગતો સામે આવી છે.

 

 

સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને પોલીસની અલગ-અલગ ટીમોએ તપાસ હાથ ધરી છે. અકસ્માતમાં જીવ ગુમાવનાર વ્યક્તિ અને ઇજાગ્રસ્ત અંગેની વિગતો મેળવવાની સાથે કારચાલક બુટલેગરની શોધખોળ પણ કરવામાં આવી રહી છે. રાજસ્થાનથી દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, કાર કોની માલિકીની છે અને આ દારૂ કોને પહોંચાડવાનો હતો તે સહિતના મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે.

(9:11 PM IST)