<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th November 2026

સુરતના કેબલ બ્રિજ પર પૂરપાટ ઝડપે દોડતી કાર ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ, ચાર શખ્સો ફરાર

મોડી રાત્રે સર્જાયેલી ભયાનક દુર્ઘટનામાં ગાડી ૧૫ ફૂટ દૂર ફંગોળાઈ, કારમાંથી દારૂની બોટલ મળવાની ચર્ચાથી ભારે રોષ

સુરત : સુરત શહેરમાં તહેવારોની ઉજવણી વચ્ચે પણ માર્ગ અકસ્માતોની ઘટનાઓ અટકવાનું નામ લઈ રહી નથી. શહેરના કેબલ બ્રિજ પર મોડી રાત્રે પૂરપાટ ઝડપે આવતી એક કાર ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેને પગલે બ્રિજ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર, કાર એટલી બેફામ ઝડપે દોડી રહી હતી કે ડિવાઈડર સાથે અથડાયા બાદ અંદાજે ૧૫ ફૂટ દૂર ફંગોળાઈ હતી. અકસ્માત સમયે કારમાં કુલ ૬ લોકો સવાર હોવાનું જાણવા મળ્યું છે, જેમાંથી ૪ લોકો અકસ્માત બાદ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા, જ્યારે અન્ય ૨ લોકોને ઈજાઓ પહોંચતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

સ્થાનિકોના દાવા મુજબ કારચાલક દારૂના નશામાં બેફામ રીતે કાર ચલાવી રહ્યો હતો, અને એટલું જ નહીં, અકસ્માતગ્રસ્ત કારમાંથી દારૂની બોટલ મળી આવી હોવાની પણ ચર્ચા ચાલી રહી છે. આ ગંભીર ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તહેવારોના દિવસોમાં લોકોની સુરક્ષા જોખમાય તેવી રીતે વાહનો ચલાવતા બેફામ ચાલકો સામે કડક કાર્યવાહી કરવાની માગ ઉઠી છે.

હાલ સમગ્ર ઘટનાને લઈને પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે, જેમાં નશામાં ડ્રાઈવિંગ થયું હતું કે કેમ અને અકસ્માત પાછળનું ચોક્કસ કારણ શું હતું તે ફરાર થયેલા ચાર લોકો પકડાયા બાદ જ બહાર આવશે

(3:26 PM IST)