News of Thursday, 16th July 2026
સુરતના સાયણ-હજીરા આઉટર રીંગ રોડ પર રથયાત્રા જોઈને પરત ફરતી કોલેજીયન યુવતીનું ટ્રક અડફેટે ઘટના સ્થળે જ મોત
અકસ્માતમાં અન્ય એક યુવતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં દાખલ :જહાંગીરપુરા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

સુરત શહેરમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, રથયાત્રા જોવા ગયેલી બે યુવતીઓેને અકસ્માત નડ્યો છે. જેમાંથી એક યુવતીનું કરૂણ મોત થઈ ગયું છે. જ્યારે એક યુવતીને ગંભીર ઈજાઓ પહોંચતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. ઘટના બાદ પરિવારોમાં ભારે આક્રંદ છવાઈ ગયો છે. આ મામલે પોલીસે ટ્રક ચાલક સામે કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રિયા કુંભાણી નામની યુવતી તેની અન્ય સખીઓ સાથે રથયાત્રા જોવા ગઈ હતી. ઉત્સવનો આનંદ માણીને જ્યારે તેઓ આઉટર રીંગ રોડ પરથી પસાર થઈ રહી હતી, ત્યારે એક બેકાબૂ ટ્રક ચાલકે તેમની દ્વિચક્રી વાહનને ટક્કર મારી હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે રિયા કુંભાણીનું ઘટનાસ્થળે જ કમનસીબ મૃત્યુ નીપજ્યું.
આ અકસ્માતમાં અન્ય એક યુવતી પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે. તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક અસરથી સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે, જ્યાં તેની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને પગલે આસપાસના લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને પરિસ્થિતિ તંગ બની હતી.
અકસ્માતની જાણ થતાં જ જહાંગીરપુરા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતક યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં ટ્રક ચાલકની બેદરકારી સામે આવી રહી છે, જેને લઈને પોલીસે ટ્રક કબજે કરી ડ્રાઈવરની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.
સુરત જેવા વ્યસ્ત શહેરના આઉટર રીંગ રોડ પર વારંવાર બનતા અકસ્માતોને લઈને સ્થાનિકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. વાહનચાલકોની બેદરકારીને કારણે અનેક પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવવાનો વારો આવ્યો છે. હાલમાં જહાંગીરપુરા પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે અને ટૂંક સમયમાં આરોપીને કાયદાના સકંજામાં લેવાની ખાતરી આપી છે.
(10:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
