News of Friday, 17th July 2026
દાહોદમાં ભેજાબાજે નકલી ફાઇનાન્સ બેંકની ઓફિસ ખોલી : સોની વેપારીને લાખોનો ચૂનો લગાવ્યો : ગઠીયો 200 ગ્રામ સોનું લઈને ફરાર
રથયાત્રાના દિવસે સોનું ખરીદવાના બહાને ઝવેરીને બેંકમાં બોલાવ્યા :આરોપીએ બેંક જેવું વાતાવરણ ઊભું કરવા કર્મચારીઓ પણ રાખ્યા હતા.

દાહોદ શહેરમાં છેતરપિંડીની એક અત્યંત ચકચારી ઘટના સામે આવી છે, જેમાં એક ભેજાબાજે નકલી બેંક ઊભી કરીને સોની વેપારીને લાખોનો ચૂનો લગાવ્યો છે. ગોધરા રોડ પર શરૂ કરવામાં આવેલી એક નકલી 'ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંક'ની ઓફિસમાં એક જ્વેલર્સને બોલાવીને 200 ગ્રામ સોનાની લૂંટ ચલાવવામાં આવી છે. આ ઘટનાને કારણે વેપારી આલમમાં ફફડાટ વ્યાપી ગયો છે.
ગઠિયાએ રથયાત્રાના પવિત્ર દિવસે સોનું ખરીદવાના બહાને ઝવેરીનો સંપર્ક કર્યો હતો. વિશ્વાસ જીતવા માટે તેણે ગોધરા રોડ પર એક ઓફિસ ભાડે રાખી તેને આબેહૂબ બેંક જેવું જ વાતાવરણ આપ્યું હતું. એટલું જ નહીં, ગ્રાહકોને ભરોસો બેસે તે માટે તેણે ઓફિસમાં કોમ્પ્યુટર અને ફર્નિચર ગોઠવવાની સાથે કેટલીક યુવતીઓને નોકરી પર પણ રાખી હતી.
જ્વેલર્સને જ્યારે 200 ગ્રામ સોનું લઈને બેંક પહોંચ્યા, ત્યારે ગઠિયાએ તેમને બેસાડ્યા હતા અને 'હું અંદરના લોકરમાંથી રોકડ રકમ લઈને આવું છું' તેવું કહીને પાછલા દરવાજેથી સોનું લઈને ફરાર થઈ ગયો હતો. બેંક શરૂ કર્યાના પહેલા જ દિવસે ગઠિયો લાખોના સોના સાથે રફુચક્કર થઈ ગયો હતો.
ઘટનાની જાણ થતાં જ દાહોદ એ-ડિવિઝન પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે ઝવેરીની ફરિયાદના આધારે ગુનો નોંધીને બેંકમાં કામ કરતી યુવતીઓની પૂછપરછ શરૂ કરી છે. સાથે જ આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવીને ગઠિયાને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આટલી સફાઈપૂર્વક નકલી બેંક ખોલીને છેતરપિંડી કરનાર ગઠિયો કોઈ મોટા ગેંગનો ભાગ હોવાની આશંકા સેવાઈ રહી છે.
(7:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
