<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th April 2026

અમદાવાદના ઘાટલોડિયામાં મોતના સોદા જેવો ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ: AMCની ખુલ્લી જગ્યામાં ધમધમતો હતો બ્લેકનો ધંધો, દૈનિક 100થી વધુ બાટલા ગેરકાયદે ભરાઈને ₹2000માં વેચાતા

ગેસ એજન્સીના કર્મચારીઓ જ ઘરે-ઘરે જઈ સિલિન્ડરમાંથી 1.5 થી 2 કિલો ગેસ ચોરી જતા, સીલ તોડી ફરી પેક કરી દેતા, તંત્રની નાક નીચે જોખમી રિફિલિંગ, પોલીસ ફરિયાદ નોંધાઈ

અમદાવાદ તા.૧૫ : અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં AMCની ખુલ્લી જગ્યામાં મોતને આમંત્રણ આપતું ગેસ રિફિલિંગનું કાળું બજાર ધમધમતું ઝડપાયું છે. ગેસ એજન્સીઓની વિજિલન્સ ટીમે દરોડો પાડી ગેસ સિલિન્ડરમાંથી ગેસ ચોરીને તેને બ્લેકમાં વેચવાના મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. રોજના 100થી વધુ સિલિન્ડર ગેરકાયદે ભરીને એક નંગના ₹2000 વસૂલવામાં આવતા હતા.

 

ગેસ કંપનીઓને ચામુંડા નગર, રિવરફ્રન્ટ ઈસ્ટ વિસ્તારમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ થતું હોવાની ફરિયાદ મળી હતી. તપાસમાં સામે આવ્યું કે ભારત પેટ્રોલિયમ, ઇન્ડિયન ઓઈલ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કંપનીના કેટલાક કર્મચારીઓ આ કૌભાંડમાં સંડોવાયેલા છે. આ કર્મચારીઓ ગ્રાહકોને ઘરે ડિલિવરી કરવા લઈ જવાતા સિલિન્ડરને ચામુંડા નગરના રહેણાંક મકાનોમાં લઈ જતા હતા.

 

ત્યાં સિલિન્ડરની સીલ તોડીને દરેક બાટલામાંથી 1.5 થી 2 કિલો ગેસ કાઢી લેવામાં આવતો હતો અને પછી સિલિન્ડરને ફરીથી સીલ કરીને ગ્રાહકોને પહોંચાડી દેવાતા હતા. ચોરી કરેલા ગેસને ભેગો કરીને બીજા ખાલી સિલિન્ડરોમાં ભરી દેવામાં આવતો હતો. આ રીતે તૈયાર કરેલા સિલિન્ડર કાળાબજારમાં ₹2000 પ્રતિ નંગના ભાવે વેચવામાં આવતા હતા. આખું નેટવર્ક દૈનિક 100 સિલિન્ડર સુધીનું રિફિલિંગ કરતું હતું.

 

ઘાટલોડિયા વિસ્તારમાં AMCની ખુલ્લી જગ્યામાં આ જોખમી કામ ખુલ્લેઆમ ચાલતું હતું. કોઈપણ ફાયર સેફ્ટીના સાધનો વિના અને રહેણાંક વિસ્તારમાં ગેસ રિફિલિંગ થતું હોવાથી કોઈપણ સમયે મોટી દુર્ઘટના સર્જાઈ શકતી હતી. વિસ્ફોટક પદાર્થોનું ખુલ્લામાં હેન્ડલિંગ જીવનું જોખમ ઉભું કરતું હતું.

 

વિજિલન્સ ટીમે ચામુંડા નગરમાં આ કૌભાંડમાં સંડોવાયેલા રહીશોના નામ પણ મેળવી લીધા છે. ગેસ કંપનીના કર્મચારીઓની ભૂમિકાની પણ તપાસ કરવામાં આવશે અને પોલીસ ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી શરૂ કરી દેવાઈ છે. આ પહેલા ત્રાગડ ગામમાં પણ પોલીસે દરોડો પાડી 63 ગેસ સિલિન્ડર, 2 ઈલેક્ટ્રિક મોટર, પાઈપ અને ડિજિટલ વજન કાંટા સાથે એક આરોપીને ઝડપ્યો હતો. ત્યાં પણ ઘરેલુ સિલિન્ડરમાંથી ગેસ કાઢી કોમર્શિયલ સિલિન્ડરમાં ભરવાનું કૌભાંડ ચાલતું હતું. 

(4:21 PM IST)