<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th July 2026

વડતાલ સ્વામિનારાયણ ભગવાન નિજ મંદિરમાં અષાઢ મહિનામાં 300 કિલો આલુનો ભવ્ય અને દિવ્ય ઉત્સવ ઉજવાયો : હજારો હરિભક્તો દર્શન કરીને થયા ભાવવિભોર

શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી રણછોડરાયજી અને પંચદેવ સમક્ષ ઋતુ ફળ ધરાવાયા : ધીરજલાલ રૂપારેલીયાના યજમાનપદે ઉજવાયો ઉત્સવ : મંદિરના ચેરમેન ડો. સંત વલ્લભદાસજી સ્વામી અને કોઠારી દેવપ્રકાશદાસજી સ્વામી સહિતના ઉપસ્થિત

વડતાલ તા.૧૩: શ્રીજી મહારાજની કૃપાપાત્ર અને ભાવિકોની આસ્થાનું કેન્દ્ર એવા વડતાલ ધામમાં આજે ભક્તિ, ભાવ અને ઉલ્લાસનો અદ્ભુત સંગમ જોવા મળ્યો. વડતાલ સ્વામિનારાયણ નિજ મંદિરમાં  બિરાજમાન દેવો માટે 300 કિલો આલુનો ભવ્ય ઉત્સવ ભક્તિભાવ સાથે ઉજવવામાં આવ્યો હતો.

વડતાલ મંદિરની પરંપરા અનુસાર હરિભક્તો દ્વારા ઋતુ પ્રમાણે દેવોને વિવિધ ફળો ધરાવવામાં આવે છે. તેના ભાગરૂપે આજે પ્રિય ફળ આલુનો વિશેષ ઉત્સવ યોજાયો હતો. 

વડતાલ મંદિરના ચેરમેન ડો. સંત વલ્લભદાસજી સ્વામીએ જણાવ્યું કે, "દેવોના રાજીપા માટે ભક્તો દ્વારા શ્રદ્ધા અને પ્રેમથી ફળો ધરાવવાની આ પરંપરા સદીઓથી ચાલી આવે છે. આવા ઉત્સવોથી ભક્ત અને ભગવાન વચ્ચેનો ભાવ વધુ દ્રઢ બને છે."

વડતાલ મંદિરના કોઠારી શ્રી દેવપ્રકાશદાસજી સ્વામીની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ આ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. હરિભકત ધીરજલાલ મોહનલાલ રૂપારેલીયાના હસ્તે વિધિવત રીતે આલુ ધરાવવાની વિધિ સંપન્ન થઈ. આ પ્રસંગે આનંદભાઈ તથા જતીનભાઈએ યજમાન તરીકેની સેવા આપી હતી.

મંદિરમાં બિરાજતા શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી રણછોડરાયજી મહારાજ, શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી રાધાકૃષ્ણ દેવ તથા શ્રી ધર્મ-ભક્તિ-વાસુદેવ એમ પંચદેવ સમક્ષ 300 કિલો આલુ શણગાર સાથે ધરાવવામાં આવ્યા. દેવોને આલુનો વિશાળ શણગાર કરવામાં આવતા મંદિરનું દ્રશ્ય અતિ મનોહર અને દિવ્ય લાગી રહ્યું હતું. 

આ દિવ્ય દર્શનનો લાભ લેવા માટે ગુજરાત સહિત દેશભરમાંથી આવેલા હજારો હરિભક્તો મંદિર પરિસરમાં ઉમટી પડ્યા હતા. સૌ ભક્તોએ દર્શન કરીને ધન્યતા અનુભવી અને પ્રસાદ ગ્રહણ કર્યો. મંદિર પરિસર આખો દિવસ ભક્તિમય ભજન-કીર્તન અને જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું.

સમગ્ર ઉત્સવની વ્યવસ્થા અને આયોજન આસિસ્ટન્ટ કોઠારી ગુણસાગર સ્વામી તથા હીરાભગત દ્વારા ખૂબ જ સુંદર રીતે કરવામાં આવ્યું હતું. સુરક્ષા, પ્રસાદ અને ભીડ નિયંત્રણ માટે સ્વયંસેવકોએ પણ સેવા આપી હતી.

વડતાલ ધામમાં આવા ફળ ઉત્સવો દ્વારા સનાતન સંસ્કૃતિ અને ભક્તિ પરંપરા જીવંત રહે છે અને ભક્તોમાં ભાવનો સંચાર થાય છે.

(4:33 PM IST)