<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th September 2026

જાહેર રોડ પરથી લોડેડ દેશી પિસ્ટલ સાથે ફરતો રીઢો ગુનેગારને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો

અમરોલી-સાયણ ચેકપોસ્ટથી વરિયાવ બ્રિજ તરફના રોડ પરથી ઝડપાયો; પિસ્ટલ, 3 જીવતા કારતૂસ મળી કુલ રૂ.25,300નો મુદ્દામાલ કબજે

સુરતઃ આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને ગેરકાયદેસર હથિયારો રાખનાર અને નાસતા-ફરતા આરોપીઓ સામે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાથ ધરાયેલી કામગીરી દરમિયાન લોડેડ દેશી હાથ બનાવટની પિસ્ટલ સાથે એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. અમરોલી-સાયણ ચેકપોસ્ટથી વરિયાવ બ્રિજ તરફ જતા માર્ગ પર મુખ્ય એવન્યુની બાજુના જાહેર રોડ પરથી સંજયકુમાર ઉર્ફે જીંજુ ઉર્ફે લાલુ કાલિદાસ રાઠોડ (ઉ.વ.26) ઝડપાયો હતો.
ક્રાઇમ બ્રાન્ચની ચેઇન સ્નેચિંગ સ્ક્વોડને મળેલી બાતમીના આધારે પોલીસ ટીમે કાર્યવાહી કરી હતી. આરોપી પાસેથી રૂ.25 હજારની દેશી હાથ બનાવટની પિસ્ટલ અને રૂ.300ની કિંમતના ત્રણ જીવતા કારતૂસ મળી આવ્યા હતા. કુલ રૂ.25,300નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
પોલીસની પૂછપરછમાં આરોપીએ આશરે પાંચ વર્ષ પહેલાં પોતાના ઘર નજીકના પાનના ગલ્લા પર ગુટખા ખાવા જતો હતો ત્યારે રાહુલ નામના વ્યક્તિ સાથે પરિચય થયો હોવાનું અને તેની પાસેથી રૂ.15 હજારની કિંમતમાં પિસ્ટલ તથા કારતૂસ ખરીદ્યા હોવાનું જણાવ્યું હોવાનું પ્રેસનોટમાં જણાવાયું છે.
આરોપી વિરુદ્ધ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટની કલમ 25(1-B)(A) તથા જી.પી. એક્ટની કલમ 135 હેઠળ ગુનો નોંધાયો છે.
અગાઉ પણ અનેક ગુનામાં નામ
પોલીસ રેકોર્ડ મુજબ સંજય રાઠોડ વિરુદ્ધ અમરોલી પોલીસ સ્ટેશનમાં મારામારી, પ્રોહિબિશન અને જુગાર સહિતના અગાઉના ગુનાઓ નોંધાયેલા છે. ઉપરાંત કતારગામ પોલીસ સ્ટેશનમાં POCSO એક્ટ તથા IPCની વિવિધ કલમો હેઠળ પણ ગુનો નોંધાયેલો હોવાનું દર્શાવવામાં આવ્યું છે.

(7:54 PM IST)