News of Wednesday, 6th May 2026
અમદાવાદના વેજલપુરમાં સુમસામ મેદાનમાં ઘૃણાસ્પદ કૃત્ય :ઝાડી વિસ્તારમાં ગૌવંશની હત્યા કરનાર ત્રણ ઝડપાયા
પોલીસે ઘટનાસ્થળેથી 520 કિલો શંકાસ્પદ ગૌમાંસનો જથ્થો જપ્ત કર્યો : રૂપિયા 4.66 લાખનો મુદ્દામાલ કબજે :અન્ય 6 આરોપીઓ વોન્ટેડ જાહેર

અમદાવાદ શહેરના વેજલપુર વિસ્તારમાં ગૌવંશની હત્યાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. પોલીસે સોનલ સિનેમા નજીક આવેલા એક ખુલ્લા મેદાન અને ઝાડીવાળા વિસ્તારમાં દરોડા પાડીને ગૌવંશની હત્યા કરનારા ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે મોટી માત્રામાં શંકાસ્પદ ગૌમાંસનો જથ્થો પણ જપ્ત કર્યો છે.
પોલીસને બાતમી મળી હતી કે વેજલપુરના સોનલ સિનેમા પાસેના ઝાડી વિસ્તારમાં કેટલાક શખ્સો ગૌવંશની હત્યા કરી રહ્યા છે. આ માહિતીના આધારે ટીમે દરોડો પાડતા મુશ્તાક મસારીવાલા, રઇઝ શેખ અને મુનાફ દિવાન નામના ત્રણ શખ્સો રંગેહાથ ઝડપાઈ ગયા હતા. આ આરોપીઓ માનવ વસ્તીથી દૂર સુરક્ષિત જગ્યા શોધીને ગૌવંશને નિશાન બનાવતા હતા.
પોલીસે ઘટનાસ્થળેથી અંદાજે 520 કિલો જેટલો શંકાસ્પદ ગૌમાંસનો જથ્થો કબજે કર્યો છે. આ ઉપરાંત, ગુનામાં વપરાયેલા સાધનો સહિત કુલ 4.66 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ કેસમાં માત્ર આ ત્રણ શખ્સો જ નહીં, પરંતુ અન્ય 6 જેટલા શખ્સોની સંડોવણી પણ સામે આવી છે, જેમને હાલ પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે.
પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ પશુ સંરક્ષણ અને અન્ય સંબંધિત કાયદાઓ હેઠળ ગુનો નોંધીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને અન્ય ફરાર આરોપીઓને પકડવા માટે ટીમો રવાના કરવામાં આવી છે.
(9:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
