News of Sunday, 21st June 2026
અમદાવાદના ગોતાથી સીમંત પ્રસંગ પતાવી ભાવનગર પરત ફરી રહેલા પરિવારની લક્ઝરી બસને નડ્યો કાળમુખો અકસ્માત : ધોલેરા હાઈવે પર બસ પલટી જતાં કરુણાંતિકા સર્જાઈ
ખુશીનો પ્રસંગ ક્ષણભરમાં માતમમાં ફેરવાયો : અકસ્માતમાં ૧ વ્યક્તિનું કમકમાટીભર્યું મોત અને ૧૫થી વધુ મુસાફરો લોહીલુહાણ થતાં ૫ એમ્બ્યુલન્સ મારફતે ધોળકા હોસ્પિટલ ખસેડાયા

અમદાવાદ:અમદાવાદના ગોતા વિસ્તારમાં આયોજિત એક સીમંત પ્રસંગની ખુશીઓ મનાવીને હર્ષોલ્લાસ સાથે પોતાના વતન ભાવનગર પરત ફરી રહેલા એક પરિવારને અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ હાઈવે પર કાળ આંબી ગયો છે. મોડી રાત્રે મુસાફરોથી ભરેલી એક ખાનગી લક્ઝરી બસના ચાલકે અચાનક સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવી દેતાં બસ હાઈવે પર જ ધડાકાભેર પલટી મારી ગઈ હતી. આ ભયાનક માર્ગ અકસ્માતમાં બસમાં સવાર એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ અત્યંત કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય ૧૫ કરતાં વધુ મુસાફરોને નાની-મોટી ગંભીર ઇજાઓ પહોંચતાં હાઈવે પર મધ્યરાત્રિએ ચીસાચીસ અને આક્રંદનો માહોલ સર્જાયો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર, અકસ્માતનો ભોગ બનેલી ખાનગી લક્ઝરી બસમાં સવાર તમામ મુસાફરો મૂળ ભાવનગરના વતની હતા. તેઓ અમદાવાદના ગોતા ખાતે સંબંધીને ત્યાં આયોજિત શ્રીમંતના શુભ પ્રસંગમાં હાજરી આપવા માટે આવ્યા હતા. પ્રસંગ પૂર્ણ થયા બાદ તમામ લોકો લક્ઝરી બસ ભાડે કરીને ખુશી-ખુશી વતન જવા નીકળ્યા હતા. બસ જ્યારે અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ હાઈવે પરથી પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક ચાલકે કાબૂ ગુમાવ્યો હતો અને બસ રોડ પર પલટી ખાઈ ગઈ હતી. અકસ્માત એટલો સર્જાયો હતો કે બસની બોડીના ફુરચેફુરચા ઉડી ગયા હતા અને અંદર બેઠેલા મુસાફરો એકબીજા પર પટાકાયા હતા.
આ ભયાનક દુરઘટના પગલે હાઈવે પરથી પસાર થતા અન્ય વાહનચાલકો અને સ્થાનિક લોકો તાત્કાલિક બસમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે દોડી આવ્યા હતા. ઘટનાની ગંભીરતાને જોતાં કોઠ પોલીસ સ્ટેશનનો મોટો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને કાયદો-વ્યવસ્થા તેમજ ટ્રાફિક નિયમનની કામગીરી હાથ ધરી હતી. આ સાથે જ ઇજાગ્રસ્તોને ત્વરિત તબીબી સારવાર મળી રહે તે માટે આસપાસના વિસ્તારો જેવા કે બગોદરા, ધોળકા અને વટામણ ખાતેથી તાત્કાલિક ૫ જેટલી ૧૦૮ એમ્બ્યુલન્સ વાહનોને ઘટનાસ્થળે રવાના કરવામાં આવ્યા હતા.
પોલીસ અને સ્થાનિક બચાવ ટુકડીઓએ ભારે જહેમત ઉઠાવીને લક્ઝરી બસના કાચ તોડીને અંદર ફસાયેલા તમામ સ્ત્રી-પુરુષો અને બાળકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે ધોળકાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તબીબો દ્વારા યુદ્ધના ધોરણે તેમની સારવાર શરૂ કરવામાં આવી છે. અકસ્માતમાં જાન ગુમાવનાર મૃતકના શવને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને કોઠ પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ કાનૂની તપાસ હાથ ધરી છે. આ કમનસીબ ઘટનાને પગલે ભાવનગરમાં રહેતા પરિવારના અન્ય સભ્યો અને સ્નેહીજનોમાં ઘેરા શોકની કાલીમા વ્યાપી ગઈ છે.
(9:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
