<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd June 2026

સુરતના સારોલી-કુંભારીયા રોડ પર ઓયો હોટલમાં અચાનક ભીષણ આગ ભભૂકી :ત્રણ લોકોનું દિલધડક રેસ્ક્યુ કરાયું

હોટલમાં તમામ વાયરીંગ, AC, ગાદલા અને કિંમતી ફર્નિચર સહિતનો મોટાભાગનો સામાન બળીને ખાક :મોટા પ્રમાણમાં ધુમાડો થવાના કારણે ફાયર વિભાગના જવાનોને બચાવ કામગીરી માટે ઓક્સિજન માસ્ક પહેરીને અંદર પ્રવેશ કરવો પડ્યો

સુરતના સારોલી-કુંભારીયા રોડ પર આવેલી એક હોટલમાં મોડી રાત્રે અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. આગને કારણે હોટલમાં મોટા પ્રમાણમાં ધુમાડો ફેલાઈ ગયો, જેનાથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ દ્વારા તાત્કાલિક દોડી જઈને હોટલમાં ફસાયેલા ત્રણ લોકોને સુરક્ષિત રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા.

 

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના સારોલી-કુંભારીયા રોડ પર આવેલા સારથી કોમ્પ્લેક્સમાં ચોથા માળે ઓયો હોટલ આવેલી છે. ગત રાત્રિના સમયે આ હોટલના એક રૂમમાં અચાનક આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને હોટલમાં ધુમાડો ફેલાવવા લાગ્યો હતો. આગ લાગવાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા, ફાયર વિભાગની ગાડીઓ અને TTL તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી

 

હોટલમાં આગના કારણે ધુમાડો એટલા મોટા પ્રમાણમાં થયો હતો કે ફાયર વિભાગના જવાનોને બચાવ કામગીરી માટે ઓક્સિજન માસ્ક પહેરીને અંદર પ્રવેશ કરવો પડ્યો હતો. આગ લાગી ત્યારે હોટલની અંદર 3 લોકો ફસાઈ ગયા હતા. જોકે, ફાયર વિભાગની ટીમે ભારે જહેમત ઉઠાવીને આ ત્રણેય લોકોને સહી-સલામત બહાર કાઢી તેમનું સફળ રેસ્ક્યુ કર્યું હતું.

 

આ ભીષણ આગની ઘટનામાં હોટલના રૂમમાં રહેલા તમામ વાયરીંગ, AC, ગાદલા અને કિંમતી ફર્નિચર સહિતનો મોટાભાગનો સામાન બળીને ખાક થઈ ગયો હતો. જોકે, સદનસીબે ફાયર બ્રિગેડની ત્વરિત અને અસરકારક કામગીરીને કારણે કોઈ પણ પ્રકારની જાનહાનિ થવા પામી નથી. હોટલના રૂમમાં શોર્ટ સર્કિટ થવાના કારણે જ આ આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

(1:12 PM IST)