તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 7th May 2026
નેત્રંગમાં માછલીના ભાગ પાડવા જેવી નજીવી બાબતે ખૂની ખેલ :યુવકે માતાની નજર સામે સાવકા ભાઈની ઘાતકી હત્યા કરી
સગા પુત્ર જયેશને એવું લાગ્યું કે સાવકા ભાઈ પ્રવીણે તેને ભાગમાં ઓછી માછલીઓ આપી છે: બંને ભાઈઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ જ્યેશે તેની થેલીમાંથી શેરડી કાપવાનું તીક્ષ્ણ કોયતું કાઢ્યું અને સગા ભાઈ સમાન પ્રવીણના ગળા પર ઘા ઝીંકી દીધો.

ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં નજીવી બાબતે ઉશ્કેરાયેલા એક યુવકે પોતાની જ માતાની નજર સામે તેના સાવકા ભાઈની ઘાતકી હત્યા કરી નાખી છે. માછલીના ભાગ પાડવા જેવી સામાન્ય તકરારે અંતે લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેના કારણે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
આ હૃદયદ્રાવક ઘટના નેત્રંગ તાલુકાના મચામડી ગામની છે, જ્યાં કોટવાળીયા સમાજના 45 વર્ષીય મંજુબેન તેમના સાવકા પુત્ર પ્રવીણ ઉર્ફે રવીન સાથે ગત 4 મેના રોજ ધોલી ડેમ ખાતે માછલી પકડવા ગયા હતા. આખો દિવસ માછીમારી કર્યા બાદ મંજુબેનનો સગો પુત્ર જયેશ પણ ત્યાં આવી પહોંચ્યો હતો. ત્રણેય જણે મોડી રાત સુધી મહેનત કરીને માછલીઓ પકડી હતી. કામ પૂરું થયા બાદ જ્યારે માછલીઓના ત્રણ ભાગ પાડવામાં આવ્યા, ત્યારે વિવાદની શરૂઆત થઈ હતી. સગા પુત્ર જયેશને એવું લાગ્યું કે સાવકા ભાઈ પ્રવીણે તેને ભાગમાં ઓછી માછલીઓ આપી છે. આ મામૂલી વાત પર બંને ભાઈઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ હતી.
ઝઘડો એટલો વધ્યો કે આવેશમાં આવીને જ્યેશે તેની થેલીમાંથી શેરડી કાપવાનું તીક્ષ્ણ કોયતું કાઢ્યું અને સગા ભાઈ સમાન પ્રવીણના ગળા પર જોરદાર ઘા ઝીંકી દીધો. માતાની નજર સામે જ પ્રવીણ લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યો અને તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું. જ્યારે માતાએ પોતાના સગા પુત્રને આ કૃત્ય બદલ ઠપકો આપ્યો, ત્યારે હત્યારો પુત્ર જયેશ કોયતું લઈને માતાને પણ મારવા દોડ્યો હતો, જેના કારણે જીવ બચાવવા માતાએ ત્યાંથી ભાગવું પડ્યું હતું.
લગભગ એક કલાક બાદ જ્યારે માતા સ્થળ પર પરત ફરી ત્યારે તેનો સાવકો પુત્ર મૃત અવસ્થામાં પડ્યો હતો. પુત્ર ગુમાવવાનું દુઃખ અને બીજી બાજુ જનાવરોનો ડર... આ કઠણ પરિસ્થિતિમાં માતા મંજુબેન આખી રાત પ્રવીણની લાશ પાસે બેસી રહી જેથી કોઈ પ્રાણી તેને નુકસાન ન પહોંચાડે. બુધવારે સવારે ગ્રામજનો અને પોલીસને જાણ થતા કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. નેત્રંગ પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી ફરાર આરોપી જયેશની શોધખોળ હાથ ધરી છે.
(6:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
