<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st May 2026

અમદાવાદની કેરાળા જીઆઈડીસીમાં નશાકારક કોડેઇન કફ સિરપનો જથ્થો ઝડપાયો :3 આરોપીઓની ઘરપકડ

SOG અને પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી 153 બોટલ કોડેઇન કફ સીરપ ઝડપી પાડ્યો : NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી 3 આરોપીઓની ધરપકડ કરાઈ

અમદાવાદ એસઓજી (SOG) અને સ્થાનિક પોલીસે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં આવેલા કેરાળા જીઆઈડીસી (GIDC) માં એક સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ગેરકાયદેસર રીતે વેચાતા નશાકારક કોડેઇન કફ સિરપના મસમોટા જથ્થાનો પર્દાફાશ કર્યો છે. પોલીસે સ્થળ પરથી ત્રણ નશાના સોદાગરોને રંગેહાથ દબોચી લીધા છે.

 

ચોક્કસ બાતમીના આધારે એસઓજી અને પોલીસે કેરાળા GIDCમાં રેડ કરી હતી. આ કાર્યવાહી દરમિયાન પોલીસને પ્રતિબંધિત અને નશા માટે ઉપયોગમાં લેવાતી 153 બોટલ કોડેઇન કફ સિરપનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે નશાકારક સીરપ, ગુનામાં વપરાયેલા મોબાઇલ ફોન સહિત કુલ રૂપિયા 24 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે.

 

પોલીસે રેડ દરમિયાન સ્થળ પરથી નશાના વેપાર સાથે સંકળાયેલા ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં મગન ઉર્ફે સુનીલ પટણી, રાકેશ ઉર્ફે ટારઝન પટણી અને પિયુષ ઉર્ફે જીગો ચૌહાણનો સમાવેશ થાય છે. આ ગુનામાં મુખ્ય સપ્લાયર તરીકે કડીરૂપ ગણાતી વોન્ટેડ આરોપી આશીયાનાબેન ઘાંચી નામના મહિલાનું નામ સામે આવ્યું છે. આશીયાનાબેન હાલ પોલીસ પકડથી દૂર હોવાથી તેમને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

 

પોલીસે આ સમગ્ર મામલે પકડાયેલા ત્રણેય આરોપીઓ વિરૂદ્ધ NDPS એક્ટ (નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ) હેઠળ ગુનો નોંધીને આ નશાનું નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે અને કોને કોને સપ્લાય થવાનું હતું, તે દિશામાં સઘન પૂછપરછ શરૂ કરી છે.

(9:49 PM IST)