<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th June 2026

અમદાવાદના નિકોલમાં ધો- 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને શિક્ષકે લાફો મારતા કાનનો પડદો ડેમેજ : પોલીસમાં અરજી

તબીબી તપાસમાં કાનનો પડદો ગંભીર રીતે ડેમેજ થયો હોવાનું સામે આવ્યું:ડૉક્ટરોએ હાલ વિદ્યાર્થીને ઓબ્ઝર્વેશન હેઠળ રાખ્યો

અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલી ચાણક્ય સ્કૂલમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને શિક્ષકે લાફો માર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પરિવારના જણાવ્યા મુજબ આ લાફાના કારણે વિદ્યાર્થીના કાનમાં ગંભીર ઈજા પહોંચી છે. ઘટના બાદ વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.

 

મળતી માહિતી મુજબ નિજ નામના વિદ્યાર્થીને અંગ્રેજી માધ્યમના શિક્ષક લક્ષ્મણ સરે લાફો માર્યો હતો. ત્યારબાદ વિદ્યાર્થીને ENT સર્જન પાસે લઈ જવામાં આવ્યો હતો. તબીબી તપાસમાં કાનનો પડદો ગંભીર રીતે ડેમેજ થયો હોવાનું સામે આવ્યું છે. ડૉક્ટરોએ હાલ વિદ્યાર્થીને ઓબ્ઝર્વેશન હેઠળ રાખ્યો છે. જો આગામી 10 દિવસમાં સ્થિતિમાં સુધારો નહીં થાય તો ઓપરેશન કરવાની જરૂર પડી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

 

ઘટના બાદ વિદ્યાર્થીના વાલીઓએ સ્કૂલના ટ્રસ્ટીઓ સાથે બેઠક કરીને સમગ્ર મામલે રજૂઆત કરી હતી. વાલીઓએ આ ઘટનાની યોગ્ય તપાસ અને જવાબદાર સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. ઘટનાને લઈને અન્ય વાલીઓમાં પણ ચિંતા જોવા મળી રહી છે.

 

સ્કૂલ ટ્રસ્ટીઓ સાથે બેઠક કર્યા બાદ વિદ્યાર્થીના વાલીઓએ સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી કરી છે. હાલ પોલીસ અરજીના આધારે પ્રાથમિક તપાસ શરૂ કરવાની તૈયારીમાં છે. તપાસ બાદ જે હકીકતો સામે આવશે તેના આધારે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટનાએ શાળાઓમાં વિદ્યાર્થીઓ સાથેના વર્તન અને શારીરિક સજાના મુદ્દે ફરી ચર્ચા જગાવી છે.

(7:33 PM IST)