<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th November 2026

પાલનપુરની જાણીતી માવજત હોસ્પિટલમાં અચાનક આગ ભભૂકતા મચી દોડધામ: સમયસૂચકતાથી તમામ દર્દીઓ સુરક્ષિત બહાર કઢાયા

બે દિવસમાં આગની બીજી મોટી ઘટનાથી શહેરમાં વ્યાપી ગઈ ચિંતા, હોસ્પિટલના રસોડામાંથી શરૂ થયેલી આગ ધાબા સુધી ફેલાતા ફાયર વિભાગે મેળવ્યો કાબૂ

પાલનપુર : બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેરમાં આવેલા GIDC વિસ્તારમાં આગની ઘટના હજુ માંડ શાંત થઈ હતી ત્યાં જ શહેરની ખ્યાતનામ માવજત મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં શનિવારના રોજ ભીષણ આગ ફાટી નીકળતા દર્દીઓ અને સ્ટાફ વચ્ચે ભારે અફરાતફરી મચી ગઈ હતી.

 

પ્રાપ્ત વિગતો અનુસાર, પાલનપુર સ્થિત માવજત હોસ્પિટલના બીજા માળ અને ધાબાના ભાગે અચાનક આગ ભડકી ઉઠી હતી, જેના કારણે ત્યાં સારવાર લઈ રહેલા અસંખ્ય દર્દીઓ, તેમના સગા-સંબંધીઓ અને હોસ્પિટલ પ્રશાસનમાં દોડધામના દ્રશ્યો સર્જાયા હતા.

 

આગનું વિકરાળ સ્વરૂપ જોતા જ હોસ્પિટલના જાગૃત સ્ટાફ અને દર્દીઓના સ્વજનો દ્વારા તાત્કાલિક સાહસ દાખવીને તમામ દર્દીઓને સુરક્ષિત રીતે વોર્ડની બહાર ખસેડવામાં આવ્યા હતા, જેમાં વિશેષરૂપે ગંભીર દર્દીઓને ઓક્સિજનની બોટલ સાથે સહીસલામત બહાર લાવવામાં આવ્યા હતા.

 

ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક કાફલા સાથે ઘટનાસ્થળે દોડી આવી હતી અને ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો, જ્યારે આ ગંભીર પરિસ્થિતિની જાણ થતાં સ્થાનિક ધારાસભ્ય અનિકેત ઠાકર પણ હોસ્પિટલ ખાતે પહોંચીને સ્થિતિનો તાગ મેળવ્યો હતો.

 

પ્રાથમિક તપાસ દરમિયાન એવું બહાર આવ્યું છે કે હોસ્પિટલના રસોડામાં શોર્ટ સર્કિટ કે અન્ય કોઈ કારણસર લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને તે ધાબા સુધી ફેલાઈ ગઈ હતી, સદનસીબે સમયસર લેવાયેલા પગલાંઓના કારણે કોઈ જાનહાનિ થઈ ન હતી.

 

છેલ્લા બે દિવસમાં પાલનપુરમાં આગની આ બીજી મોટી ઘટના બનવાને કારણે સ્થાનિક તંત્ર અને વહીવટી અધિકારીઓ દ્વારા આગામી સમયમાં હોસ્પિટલો તથા વ્યાપારી સંકુલોમાં અગ્નિશામક સાધનો અને સુરક્ષા વ્યવસ્થાઓની ચકાસણી વધુ સઘન બનાવવાની દિશામાં કડક પગલાં લેવામાં આવશે.

(9:12 PM IST)