<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st June 2026

યાત્રધામ ડાકોરના ઇતિહાસમાં ભક્તિનો અલૌકિક રેકોર્ડ સર્જાયો :પૂનમે દર્શનાર્થે ઉમટ્યા 4 લાખથી વધુ ભાવિકો

મંદિરના દ્વાર ખુલતાની સાથે જ સમગ્ર મંદિર પરિસર 'જય રણછોડ, માખણચોર' ના ગગનભેદી નાદથી ગુંજી ઉઠ્યું

ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરના ઇતિહાસમાં ભક્તિનો એક નવો અલૌકિક અને ઐતિહાસિક રેકોર્ડ નોંધાયો છે. અધિક પુરુષોત્તમ માસની પવિત્ર જ્યેષ્ઠી પૂનમના અવસરે રાજાધિરાજ રણછોડરાયજીના દર્શન કરવા માટે ભક્તોનું અભૂતપૂર્વ ઘોડાપૂર ઉમટી પડ્યું હતું.

અધિક માસ અને પૂનમના આ ત્રિવેણી સંગમ સમાન પવિત્ર દિવસે ઠાકોરજીના ‘મંગલ સેવા દર્શન’ વહેલી સવારે જ ખુલ્લા મુકવામાં આવ્યા હતા. મંદિરના દ્વાર ખુલતાની સાથે જ સમગ્ર મંદિર પરિસર 'જય રણછોડ, માખણચોર' ના ગગનભેદી નાદથી ગુંજી ઉઠ્યું હતું. ભગવાન રણછોડરાયજીના વિશેષ મનોહર શૃંગારના દર્શન કરી લાખો ભક્તો ભાવવિભોર બન્યા હતા.

અસહ્ય ગરમી અને અકળાવનારા વાતાવરણમાં પણ ભક્તોના ઉત્સાહમાં જરા પણ ઘટાડો જોવા મળ્યો ન હતો. બળબળતા તાપમાં કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવા છતાં ભક્તો અડગ રહ્યા હતા. ડાકોર તરફ આવતા તમામ માર્ગો પર માત્ર પદયાત્રીઓ અને શ્રદ્ધાળુઓની જ ભીડ જોવા મળતી હતી.

યાત્રાધામ ડાકોરમાં રણછોડરાયજી મંદિર પરિસર અને આસપાસનો સમગ્ર વિસ્તાર ભક્તિમય માહોલમાં રંગાઈ ગયો હતો. એક અંદાજ મુજબ, સમગ્ર દિવસ દરમિયાન આશરે 3 થી 4 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કાળિયા ઠાકોરના ચરણોમાં શીશ ઝુકાવીને ધન્યતા અનુભવી હતી. ડાકોરના રસ્તાઓ પર માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. 

એક સાથે લાખોની સંખ્યામાં જનમેદની ઉમટી પડતાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ડાકોર ટેમ્પલ કમિટી અને સ્થાનિક પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. દર્શનાર્થીઓને દર્શનમાં કોઈ અગવડ ન પડે તે માટે ખાસ બેરિકેડ અને વ્યવસ્થિત લાઈનોની ગોઠવણ કરવામાં આવી હતી. વહીવટી તંત્રની આ સચોટ વ્યવસ્થાને કારણે લાખો ભક્તોએ શાંતિપૂર્ણ રીતે ભગવાનના દર્શનનો લાભ લીધો હતો.

 

(1:23 PM IST)