News of Wednesday, 18th November 2026
શ્રદ્ધા અને શૌર્યનો અનોખો સંગમ: ભારતીય સેનાની 'માઉન્ટેન ઇગલ્સ' ટીમે સોમનાથ મંદિર પર આકાશમાંથી પુષ્પવર્ષા કરી આપી હવાઈ સલામી
'વિંગ્સ ઓફ વીરતા અને એકતા અભિયાન ૨૦૨૬' અંતર્ગત ૩,૨૦૦ કિલોમીટરની સાહસિક હવાઈ યાત્રાએ નીકળેલા જવાનોએ પ્રથમ જ્યોતિર્લિંગ પર માઈક્રોલાઈટ એરક્રાફ્ટ અને હેંગ ગ્લાઈડર્સ દ્વારા ફૂલો વરસાવ્યા : સોમનાથ ટ્રસ્ટે સૈનિકોના પરાક્રમને બિરદાવી અભિયાનની સફળતા માટે શુભકામનાઓ પાઠવી

પ્રભાસ પાટણ: ભારતીય સંસ્કૃતિના અસ્તિત્વ, અટલ શ્રદ્ધા અને રાષ્ટ્રીય ગૌરવના પ્રતીક સમાન પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિરના આકાશમાં આજે શ્રદ્ધા અને શૌર્યનો એક અદભુત નજારો જોવા મળ્યો હતો. 'સોમનાથ સ્વાભિમાન પર્વ' નિમિત્તે ભારતીય સેનાની સાહસિક ટીમ 'માઉન્ટેન ઇગલ્સ' દ્વારા મંદિર પરિસર પર ભવ્ય હવાઈ પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. "વિંગ્સ ઓફ વીરતા અને એકતા અભિયાન ૨૦૨૬" હેઠળ સેનાના જાબાંઝ પાઇલટ્સે બે માઇક્રોલાઇટ એરક્રાફ્ટ અને બે પાવર્ડ હેંગ ગ્લાઇડર્સના કાફલા સાથે મંદિર પર ઉડાન ભરીને આકાશમાંથી ગુલાબની પાંખડીઓનો વરસાદ કરીને મહાદેવને અનોખી સલામી આપી હતી. આ અવિસ્મરણીય દ્રશ્ય જોઈને મંદિર પરિસરમાં ઉપસ્થિત શ્રદ્ધાળુઓમાં દેશભક્તિ અને ગર્વની લાગણી છવાઈ ગઈ હતી.
આ ખાસ રાષ્ટ્રીય હવાઈ સાહસ અભિયાનની શરૂઆત ૧૪ નવેમ્બર, ૨૦૨૬ના રોજ મધ્યપ્રદેશના મહુ ખાતેથી કરવામાં આવી હતી. આર્મી એડવેન્ચર વિંગના નેજા હેઠળ મિલિટરી કોલેજ ઓફ ટેલિકોમ્યુનિકેશન એન્જિનિયરિંગ (MCTE), મહુના આર્મી એડવેન્ચર નોડલ સેન્ટર દ્વારા આયોજિત આ અભિયાનમાં જવાનો લગભગ ૩,૨૦૦ કિલોમીટરની લાંબી હવાઈ યાત્રા ખેડી રહ્યા છે. પશ્ચિમ અને મધ્ય ભારતના વિવિધ દુર્ગમ ભૌગોલિક વિસ્તારો પરથી ઉડાન ભરીને સોમનાથ પહોંચેલી આ ટીમે દર્શાવ્યું કે દેશની સરહદોનું રક્ષણ કરતી ભારતીય સેના અને દેશનો પ્રાચીન સાંસ્કૃતિક વારસો એકબીજાના પૂરક છે.
આ ઐતિહાસિક ક્ષણ બાદ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભારતીય સેનાના તમામ પાઇલટ્સ, અધિકારીઓ અને જવાનોની હિંમત તથા દેશભક્તિને સલામ કરવામાં આવી હતી. ટ્રસ્ટના પદાધિકારીઓએ આ હવાઈ સલામીને રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાનો મજબૂત સંદેશ ગણાવતા સમગ્ર અભિયાનની નિર્વિઘ્ન સફળતા માટે શુભકામનાઓ પાઠવી હતી. સોમનાથ ખાતેની આ ભવ્ય શ્રદ્ધાંજલિ બાદ હવે 'માઉન્ટેન ઇગલ્સ' ટીમ પોતાના નિર્ધારિત રૂટ પર આગળની ઉડાન ભરશે, જ્યાં વિવિધ પડાવો પર યુવાનોમાં સાહસિકતા અને રાષ્ટ્રપ્રેમની ચેતના જગાવવાના કાર્યક્રમો યોજાશે.
(6:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
