<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th September 2026

વાપીમાં માનવતાની અનોખી મિસાલ: જીવના જોખમે સ્નેક કેચરે કેમિકલમાં ગૂંગળાયેલા ૫ ફૂટ લાંબા સાપને મોંઢેથી CPR આપી નવજીવન આપ્યું!

વાપી GIDCના ETP પ્લાન્ટ પાસે મુર્છિત થયેલા સાપનો જીવ બચાવવા સ્નેક કેચર સંજય પવારે હાથ ધરી ભગીરથ કવાયત: વીડિયો વાયરલ થતાં લોકોએ બિરદાવી કામગીરી

વાપી : કોઈ વ્યક્તિને ઈમરજન્સી સ્થિતિમાં સીપીઆર (CPR) આપીને નવજીવન આપવામાં આવ્યું હોય તેવી ઘટનાઓ ચોક્કસપણે સાંભળવા મળતી હોય છે. પરંતુ વલસાડ જિલ્લાના વાપી ખાતે એક સાપને મોંઢેથી શ્વાસ આપીને તેનો જીવ બચાવવાની અત્યંત ચોંકાવનારી અને માનવતાસભર ઘટના સામે આવી છે. વાપી GIDC સ્થિત ETP પ્લાન્ટ નજીક ઝેરી કેમિકલ મિશ્રિત પાણીમાં ગૂંગળાઈ રહેલા ૫ ફૂટ લાંબા બિન-ઝેરી ધામણ સાપને સ્નેક કેચરે પોતાના જીવની પરવા કર્યા વિના કૃત્રિમ શ્વાસ આપીને મોતના મુખમાંથી બહાર કાઢ્યો હતો.

 

બનાવની વિગત મુજબ, GIDCના કેમિકલયુક્ત પાણીમાં એક સાપ તરફડિયા મારીને મુર્છિત થઈ ગયો હોવાની જાણ થતાં જ જાણીતા સ્નેક કેચર સંજય પવાર તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમણે જોયું કે ઝેરી કેમિકલના સંપર્કમાં આવવાથી સાપ બેભાન થઈ રહ્યો હતો. પરિસ્થિતિની ગંભીરતા જોઈને સંજય પવારે સમયસૂચકતા વાપરી અને પોતાની સુરક્ષાની દરકાર કર્યા વગર સાપનું મોંઢું પોતાના મોંમાં મૂકીને સતત હવા ભરીને સીપીઆર આપવાનું શરૂ કર્યું હતું. સ્નેક કેચરની આ અદ્ભુત કવાયત બાદ આખરે સાપના શરીરમાં ચળવળ શરૂ થઈ હતી અને તેનો જીવ બચી ગયો હતો.

 

સ્નેક કેચર અને સાપ બંનેને મેડિકલ ઓબ્ઝર્વેશન હેઠળ રખાયા

 

કેમિકલયુક્ત પાણીના સંપર્કમાં આવેલા સાપને મોંઢેથી શ્વાસ આપવાને કારણે સ્નેક કેચર સંજય પવારને પણ એલર્જી કે ગંભીર ઈન્ફેક્શન થવાનું જોખમ રહેલું છે. જેના કારણે તેમને આગામી ૨૪ કલાક માટે મેડિકલ ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે. બીજી તરફ, રેસ્ક્યૂ કરાયેલા સાપને પણ પ્રાણીચિકિત્સકની દેખરેખ હેઠળ રખાયો છે અને સંપૂર્ણ સ્વસ્થ થયા બાદ તેને સુરક્ષિત રીતે જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવશે. અનોખી જીવદયા દર્શાવનારા સંજય પવારની આ સરાહનીય કામગીરીનો વીડિયો વાયરલ થતાં લોકો તેમના પ્રશંસનીય કાર્યને બિરદાવી રહ્યા છે.

(7:25 PM IST)