News of Thursday, 16th April 2026
વડોદરાના વોર્ડ-10 માં 'માસ્ક મેન' નામના ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી વીડિયો વાયરલ થતા મોટો ખળભળાટ
'ક્રાંતિકારી સેના' દ્વારા GEN-Z યુવાનોની માંગ અને ભાજપના નેતાઓ નીતિન દોંગા તથા અવની સ્ટેમવાલાના ફોટા પર ચોકડી મારતા વિવાદ વકર્યો:અજાણ્યા શખ્સની ઓળખ મેળવવા માટે તપાસ એજન્સીઓ સોશિયલ મીડિયાના આધારે તપાસ

વડોદરાના પશ્ચિમ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી રહસ્યમય પોસ્ટરો લગાવવાની ઘટનાઓ સામે આવી રહી હતી. આ મામલે હવે 'માસ્ક મેન' નામના ઇન્સ્ટાગ્રામ આઈડી પર એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં વોર્ડ નંબર 10માં એક અજાણ્યો શખ્સ પોસ્ટરો લગાવતો નજરે પડે છે. આ ખુલાસાએ સ્થાનિક રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે અને પોલીસ તેમજ ગુપ્તચર એજન્સીઓ પણ સક્રિય થઈ છે.
વાયરલ થયેલા વીડિયો અને પોસ્ટરમાં 'ક્રાંતિકારી સેના' નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પોસ્ટરમાં ખાસ કરીને 'GEN-Z' એટલે કે નવી પેઢીના યુવાનોની જરૂર હોવાનું લખવામાં આવ્યું છે. આ પ્રકારના લખાણ પાછળનો હેતુ શું છે તે હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ યુવાનોને કોઈ ખાસ વિચારધારા તરફ વાળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોય તેવું જણાય છે. અગાઉ પણ આ જ વિસ્તારમાં આવા પોસ્ટરો જોવા મળ્યા હતા, પરંતુ આ વખતે વીડિયો પુરાવા તરીકે સામે આવ્યો છે.
સૌથી વધુ ચોંકાવનારી બાબત એ છે કે, આ પોસ્ટરોમાં વોર્ડ નંબર 10ના ભાજપના ઉમેદવારોના ફોટા પણ લગાવવામાં આવ્યા છે. પોસ્ટરમાં ખાસ કરીને નીતિન દોંગા અને અવની સ્ટેમવાલાના ફોટા પર લાલ રંગની ચોકડી મારવામાં આવી છે. સત્તાધારી પક્ષના નેતાઓ પર આ રીતે નિશાન સાધવામાં આવતા રાજકીય ક્ષેત્રે અનેક તર્ક-વિતર્ક શરૂ થયા છે. આ કોઈ આંતરિક અસંતોષ છે કે વિરોધ પક્ષની કોઈ ચાલ, તે તપાસનો વિષય બન્યો છે.
'માસ્ક મેન' પાછળ કયો અસલી ચહેરો છુપાયેલો છે તેને લઈને સમગ્ર વડોદરામાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. વીડિયોમાં દેખાતો શખ્સ માસ્ક પહેરેલો હોવાથી તેની ઓળખ કરવી મુશ્કેલ બની છે. ટેકનિકલ સર્વેલન્સ દ્વારા આ ઇન્સ્ટાગ્રામ આઈડી કોણ ઓપરેટ કરી રહ્યું છે તેની તપાસ હાથ ધરવામાં આવી છે. સ્થાનિક રહીશોમાં પણ આ અજાણ્યા સંગઠન અને તેના પોસ્ટરોને લઈને ફફડાટ અને કુતૂહલ જોવા મળી રહ્યો છે.
(6:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
