News of Sunday, 1st November 2026
શંભુનગર સ્મશાન પાસે નાળા નજીક ધોવાયેલો રસ્તો અકસ્માતને આમંત્રણ આપે છે, તંત્ર મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે?
ચોમાસામાં ધોવાયેલા રસ્તાની આજદિન સુધી મરામત નહીં થતા વાહનચાલકોના જીવ જોખમમાં, જવાબદાર અધિકારીઓની કામગીરી સામે ઉઠ્યા સવાલો:"કોઈનો જીવ જશે પછી જ તંત્ર જાગશે?" શંભુનગર સ્મશાન પાસે ધોવાયેલો રસ્તો બની રહ્યો છે અકસ્માતનું જોખમી સ્થળ!

(ભરત શાહ દ્વારા )નર્મદા : નર્મદા જિલ્લાના ચિકદા તાલુકાના શંભુનગરથી કાકરપાડા તરફ જતા માર્ગ પર શંભુનગર ગામના સ્મશાન પાસે આવેલા નાળા નજીક રસ્તાનો ભાગ ચોમાસા દરમિયાન ભારે વરસાદને કારણે ધોવાઈ જતાં વાહનચાલકો માટે જોખમરૂપ બની ગયો છે. રસ્તો ધોવાઈ જવાથી અહીં જોખમી સ્થિતિ ઊભી થઈ છે, તેમ છતાં આજદિન સુધી સંબંધિત તંત્ર દ્વારા યોગ્ય મરામતની કામગીરી હાથ ધરવામાં આવી નથી.
આ માર્ગ પરથી દિવસ-રાત અનેક વાહનચાલકો અવરજવર કરે છે. ખાસ કરીને નાળા પાસે રસ્તાનો ભાગ ધોવાઈ જતાં વાહનચાલકો માટે અહીંથી પસાર થવું જોખમભર્યું બન્યું છે. દિવસ દરમિયાન તો કોઈક રીતે પરિસ્થિતિનો અંદાજ આવી શકે છે, પરંતુ રાત્રિના અંધકારમાં ધોવાયેલા રસ્તાનો ખ્યાલ ન આવે તો ગંભીર અકસ્માત સર્જાઈ શકે છે. ગમે ત્યારે મોટી જાનહાનિ થાય તેવી શક્યતા નકારી શકાય તેમ નથી.
સૌથી ગંભીર બાબત એ છે કે ચોમાસા દરમિયાન રસ્તો ધોવાઈ ગયો હોવા છતાં જવાબદાર વિભાગ દ્વારા આજદિન સુધી કાયમી કે યોગ્ય મરામત કેમ કરવામાં આવી નથી? શું તંત્ર કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેની રાહ જોઈ રહ્યું છે? શું કોઈ નિર્દોષ વ્યક્તિનો જીવ જાય ત્યારબાદ જ અધિકારીઓની ઊંઘ ઊડશે?
સરકારી તંત્ર દ્વારા માર્ગોની સુરક્ષા અને જાળવણી માટે જવાબદારી નિભાવવાની હોય છે, ત્યારે શંભુનગર સ્મશાન પાસે નાળા નજીક સર્જાયેલી જોખમી સ્થિતિ તાત્કાલિક ધ્યાનમાં લેવી જરૂરી છે. માત્ર નિરીક્ષણ કે આશ્વાસન પૂરતું નથી, પરંતુ સ્થળ પર તાત્કાલિક સુરક્ષાનાં પગલાં સાથે રસ્તાની યોગ્ય મરામત કરવી અનિવાર્ય છે.
હવે સંબંધિત માર્ગ અને મકાન વિભાગ તથા જવાબદાર અધિકારીઓ આ બાબતને કેટલી ગંભીરતાથી લે છે તે જોવું રહ્યું. સ્થાનિક વાહનચાલકોની સુરક્ષા માટે તંત્ર તાત્કાલિક કાર્યવાહી કરશે કે પછી કોઈ મોટી દુર્ઘટના બાદ જાગશે? આ સવાલ હાલ સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
(10:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
