News of Wednesday, 16th September 2026
નડિયાદ-ઉત્તરસંડા રોડ પર કોંકરણ મંદિર નજીક એસટી બસની અડફેટે બાઈક સવાર યુવકનું મોત
નડિયાદના હેમીલ પંડ્યા બાઈક લઈને નોકરી પર જતા હતા ત્યારે અકસ્માત સર્જાયો:માથાના ભાગે ગંભીર ઈજા થતાં ઘટનાસ્થળે જ મોત:અકસ્માત બાદ ST ડ્રાઈવર અને કંડક્ટર બસ મૂકીને ફરાર

ખેડા જિલ્લામાં નડિયાદ-ઉત્તરસંડા રોડ પર કોંકરણ મંદિર નજીક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં ST બસની નીચે બાઈક સવાર આવી જતા આશાસ્પદ યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતની ઘટનાને પગલે રોડ પર લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા.
મળતી માહિતી મુજબ નડિયાદના હેમીલ પંડ્યા નામના યુવક બાઈક લઈને નોકરી પર જઈ રહ્યા હતા. હેમીલ પંડ્યા મારુતિ સુઝુકીના સર્વિસ સેન્ટરમાં ફરજ બજાવતા હોવાનું જાણવા મળ્યું છે. દરમિયાન નડિયાદ-ઉત્તરસંડા રોડ પર કોંકરણ મંદિર નજીક તેમનું બાઈક ST બસની અડફેટે આવ્યું હતું.
અકસ્મતમાં બાઈક સવાર હેમીલ પંડ્યા ST બસની નીચે આવી ગયા હતા. અકસ્માતમાં તેમના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાઓ એટલી ગંભીર હતી કે તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
અકસ્માત બાદ ST બસના ડ્રાઈવર અને કંડક્ટર બસ મૂકીને ફરાર થઈ ગયા હોવાની માહિતી સામે આવી છે. બનાવને પગલે ઘટનાસ્થળે લોકોના ટોળા એકત્ર થતાં રોડ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકોએ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી.
અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે ઘટનાની પ્રાથમિક તપાસ હાથ ધરી હતી અને મૃતક યુવકના મૃતદેહને જરૂરી કાર્યવાહી માટે ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. અકસ્માત કેવી રીતે સર્જાયો અને ST બસના ડ્રાઈવર-કંડક્ટર અંગેની વધુ વિગતો પોલીસ તપાસ બાદ સામે આવશે.
(7:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
