<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th May 2026

હિંમતનગર GIDC વિસ્તારમાં ફેકટરીમાં લિફ્ટ તૂટતા શ્રમિક યુવાનનું ઘટના સ્થળે જ મોત :કાર્યવાહી કરવા મૃતકના પરિવારજનોની માગ

દુર્ઘટનામાં ભોગ બનનાર મૃતક યુવાન હિંમતનગર તાલુકાના જ પીપલોદી ગામનો રહેવાસી: ઘરના કમાતા દીકરાના અકાળે અવસાનથી મૃતકના પરિવારજનો ભારે આઘાતમાં

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર GIDC વિસ્તારમાંથી એક અત્યંત આઘાતજનક અને કાળજું કંપાવી દેનારા સમાચાર સામે આવ્યા છે. અહીં આવેલી પ્રમુખ ઇન્ડસ્ટ્રીઝ નામની ફેક્ટરીમાં કામકાજ દરમિયાન અચાનક જ એક ભારેખમ લિફ્ટ તૂટી પડી હતી. આ લિફ્ટ સીધી ત્યાં ફરજ બજાવી રહેલા એક શ્રમિક યુવાન પર આવીને પડી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે લિફ્ટના વજન નીચે કચડાવાને કારણે યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે.

આ કરુણ દુર્ઘટનામાં ભોગ બનનાર મૃતક યુવાન હિંમતનગર તાલુકાના જ પીપલોદી ગામનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. યુવાનના મોતના સમાચાર ગામમાં પહોંચતા જ સમગ્ર પંથકમાં માતમનો માહોલ છવાઈ ગયો છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો અને સ્થાનિકો ફેક્ટરી પર દોડી આવ્યા હતા. ત્યારબાદ યુવાનના મૃતદેહને તાત્કાલિક પોસ્ટમોર્ટમ (PM) અર્થે હિંમતનગરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પોતાના ઘરના કમાતા દીકરાના અકાળે અવસાનથી મૃતકના પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા છે અને હોસ્પિટલ પરિસરમાં તેમના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું છે.

આ ઘટનાને પગલે મૃતકના પરિવારજનો અને સ્થાનિક લોકોમાં ફેક્ટરીના માલિકો પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે. આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે ફેક્ટરી સંચાલકો દ્વારા લિફ્ટની જાળવણી અને શ્રમિકોની સુરક્ષા બાબતે ઘોર બેદરકારી દાખવવામાં આવી હતી, જેના કારણે આ ગંભીર અકસ્માત સર્જાયો છે. જો લિફ્ટનું યોગ્ય સમયે મેન્ટેનન્સ કરવામાં આવ્યું હોત, તો આજે એક નિર્દોષ યુવાનનો જીવ બચી ગયો હોત. પીડિત પરિવારે ઉચ્ચ સત્તાધિશો સમક્ષ ન્યાયની ગુહાર લગાવી છે અને બેજવાબદાર ફેક્ટરી સંચાલકો સામે કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે તેવી ઉગ્ર માંગણી કરી છે. પોલીસ હાલ સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ ચલાવી રહી છે.

(8:11 PM IST)