<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th July 2026

વડોદરામાં પોલીસ વાન પાસે યુવકે બનાવી વિવાદિત રીલઃ યુવકની શોધખોળ

- કાયદાનું સરેઆમ ચીરહરણઃ રિલબાજ જેલની સજા કાપેલ હોવાનું સામે આવ્‍યું

વડોદરાઃ  સોશિયલ મીડિયા પર ફેમસ થવાની ઘેલછામાં યુવાનો કઈ હદે જઈ શકે છે, તેનો એક ચોંકાવનારો કિસ્સો વડોદરા શહેરથી સામે આવ્યો છે. એક યુવકે ખુલ્લેઆમ પોલીસ વાનની પાસે જ ઉભા રહીને ગુનાખોરીને પ્રોત્સાહન આપતી રીલ બનાવી છે, જેના કારણે હાલ પોલીસ તંત્ર યુવકની શોધખોળ કરી રહ્યું છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં યુવક શહેરની 112 જનરક્ષક પોલીસ વાનની બરાબર પાસે ઉભો છે, અને અત્યંત વાંધાજનક ડાયલોગ બોલી રહ્યો છે. વીડિયોમાં તે ગર્વભેર કહે છે કે, "જેલ જાઓ રોજ જાઓ, લેકિન લડકી કે ચક્કર મેં નહિ... અગર કભી જેલ જાના હુઆ તો 307, 302 કરકે જાઓ."

આ ડાયલોગ દ્વારા તે સ્પષ્ટપણે ભારતીય દંડ સંહિતાની કલમ 302 (હત્યા) અને 307 (હત્યાનો પ્રયાસ) જેવા અત્યંત ગંભીર ગુનાઓને સામાન્ય અને ગૌરવશાળી દર્શાવી રહ્યો છે. પોલીસની સત્તાવાર ગાડીને બેકગ્રાઉન્ડમાં રાખીને આવું ગુનાહિત નિવેદન આપવું એ પોલીસની સત્તા અને કાયદા વ્યવસ્થાને ખુલ્લો પડકાર ફેંકવા સમાન છે.

આ વીડિયો વાયરલ થતાં જ વડોદરા પોલીસ તંત્ર સતર્ક થઈ ગયું છે અને તાત્કાલિક હરકતમાં આવ્યું છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ મામલાને અત્યંત ગંભીરતાથી લેવામાં આવ્યો છે. વધુમાં, વીડિયોમાં દેખાતા યુવકને ઝડપી પાડવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

પ્રાથમિક માહિતીમાં એવો પણ ચોંકાવનારો ખુલાસો થયો છે કે, આ યુવક કોઈ સામાન્ય નાગરિક નથી પરંતુ અગાઉ જેલની સજા કાપીને બહાર આવ્યો છે. એટલું જ નહીં, આ યુવક વડોદરાની કુખ્યાત કાસમઆલા ગેંગ સાથે સંકળાયેલો હોવાની ચર્ચાઓ પણ ચાલી રહી છે.

હાલમાં પોલીસની અલગ-અલગ ટીમો આ યુવકની સઘન શોધખોળ કરી રહી છે, અને ટૂંક સમયમાં જ તેને પકડીને કાયદાનું ભાન કરાવવામાં આવશે. આ ઘટનાએ સમાજમાં એ ચર્ચા જગાવી છે કે નવી પેઢીમાં હવે કાયદાનો ડર રહ્યો નથી અને સોશિયલ મીડિયાનો ભયંકર દુરુપયોગ થઈ રહ્યો છે.

(3:46 PM IST)