News of Friday, 17th April 2026
ગાંધીનગરમાં એસીબીનો મોટો સપાટો : ૯.૫૦ લાખની લાંચ માંગનાર નાયબ મામલતદાર બિપીનચંદ્ર પરમાર અને વચેટીયો પટાવાળા દિનેશ વાળંદ ૪.૫૦ લાખ લેતા ઝડપાયા : જુઓ વિડીયો
પ્રોપર્ટી કાર્ડ બનાવવાના બદલામાં લાંચ માંગનાર મહેસૂલ અધિકારી અને નિવૃત્ત કર્મચારી વિરુદ્ધ મદદનીશ નિયામક એ.કે. પરમાર અને ઇન્ચાર્જ અધિકારી હરેશ મેવાડાના સુપરવિઝન હેઠળ પી.આઈ. કે.કે. દેસાઈ અને એ.કે. પરમારની ટીમે કરી લાલ આંખ

ગાંધીનગર : રાજ્યના પાટનગરમાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) એ મોટી કાર્યવાહી કરતા કલેક્ટર કચેરીના જમીન ફાળવણી વિભાગના નાયબ મામલતદાર અને એક નિવૃત્ત પટાવાળાને લાખોની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. સરકારી દસ્તાવેજોમાં ક્ષતિ નહીં કાઢવા અને પ્રોપર્ટી કાર્ડના અનુકૂળ અભિપ્રાય આપવા માટે લાંચની માંગણી કરવામાં આવી હતી.
ઘટનાની વિગત અને લાંચની માંગણી:
આ કેસની વિગત એવી છે કે, ફરિયાદ કરનાર જાગૃત નાગરિકના સાહેદના મકાનનું પ્રોપર્ટી કાર્ડ બનાવવાનું કામ કલેક્ટર કચેરીની જમીન ફાળવણી શાખામાં પેન્ડિંગ હતું. આ કામગીરી પૂર્ણ કરવા, ફાઈલમાં કોઈ ક્ષતિ નહીં કાઢવા અને અનુકૂળ અભિપ્રાય આપવાના બદલામાં આરોપી નાયબ મામલતદાર બિપીનચંદ્ર ખેમચંદભાઇ પરમારે નિવૃત્ત પટાવાળા દિનેશ બુધાલાલ વાળંદ મારફતે ૯,૫૦,૦૦૦ રૂપિયાની જંગી લાંચની માંગણી કરી હતી. સોદાબાજીના અંતે, કુલ રકમ પૈકી ૪,૫૦,૦૦૦ રૂપિયા અગાઉથી ચૂકવવા માટે દબાણ કરવામાં આવ્યું હતું.
ગાંધીનગર કોર્ટના પાર્કિંગ પાસે એસીબીનું છટકું:
ફરિયાદી લાંચના નાણાં આપવા માંગતા ન હોવાથી તેમણે ગાંધીનગર એસીબી એકમનો સંપર્ક સાધ્યો હતો. જેના આધારે ટ્રેપિંગ ઓફિસર પો.ઇન્સ. કે.કે. દેસાઈ અને તેમની ટીમ દ્વારા તા. ૧૭/૦૪/૨૦૨૬ના રોજ છટકું ગોઠવવામાં આવ્યું હતું. ગાંધીનગર કોર્ટના પાર્કિંગ પાસે રોડ ઉપર ફરિયાદીની ગાડીમાં જ્યારે આરોપી દિનેશ વાળંદે નાયબ મામલતદાર વતી ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી ૪,૫૦,૦૦૦ રૂપિયા સ્વીકાર્યા, ત્યારે જ ત્રાટકેલી એસીબીની ટીમે બંને આરોપીઓને સ્થળ પર જ દબોચી લીધા હતા.
તપાસ અને સુપરવિઝન:
એસીબીએ લાંચની ૪.૫૦ લાખની રકમ રિકવર કરી બંને આરોપીઓ વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કર્યો છે. આ સમગ્ર કામગીરી મદદનીશ નિયામક એ.કે. પરમાર અને ઇન્ચાર્જ અધિકારી હરેશ મેવાડાના સુપરવિઝન હેઠળ સફળતાપૂર્વક પાર પાડવામાં આવી છે. સચિવાલયના નાક નીચે જ મહેસૂલ વિભાગના અધિકારી લાંચ લેતા ઝડપાતા કલેક્ટર કચેરીના અન્ય કર્મચારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. એસીબી હવે આ મામલે વધુ ઊંડી તપાસ કરી રહી છે કે અગાઉ પણ આ રીતે કેટલા લોકો પાસેથી લાંચ લેવામાં આવી છે.
(7:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
