<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th October 2026

દેવગઢબારીયામાં ACBનો મોટો ધડાકો : રૂ. ૪૦ હજારની લાંચ લેતા સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ઝડપાયા

ડી.આર.પી. હેઠળ નિમણૂક પામેલા વિધાર્થીઓને સારી ડ્યુટી ફાળવવા અને હેરાન ન કરવા માટે છાત્રો દીઠ રૂ. ૫ હજાર લેખે માંગી હતી લાંચ : ક્વાટર્સમાંથી રંગેહાથ પકડાયા

દેવગઢબારીયા (જિલ્લો દાહોદ): દેવગઢબારીયા સ્થિત જે.એસ.ચૌહાણ સિવિલ હોસ્પિટલમાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ સફળ છટકું ગોઠવીને હોસ્પિટલના વર્ગ-૧ના તબીબી અધિક્ષક ડો. રહીમભાઈ ઈબ્રાહિમભાઈ મેમણ (ઉં.વ.૫૯)ને રૂ. ૪૦,૦૦૦ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ફરિયાદી જાગૃત નાગરિકના કુલ ૮ સહ-વિદ્યાર્થીઓની 'ડિસ્ટ્રિક્ટ રેસિડેન્સી પ્રોગ્રામ' (D.R.P.) હેઠળ જે.એસ.ચૌહાણ સરકારી સિવિલ હોસ્પિટલ, દેવગઢબારીયા ખાતે નિમણૂક કરવામાં આવી હતી. આ વિદ્યાર્થીઓને હોસ્પિટલમાં સારી ડ્યુટી ફાળવવા તેમજ નોકરી દરમિયાન હેરાન ન કરવાના બદલામાં આક્ષેપિત તબીબી અધિક્ષક ડો. રહીમભાઈ મેમણે વિદ્યાર્થી દીઠ રૂ. ૫,૦૦૦ લેખે કુલ ૮ વિદ્યાર્થીઓના રૂ. ૪૦,૦૦૦ની લાંચની માંગણી કરી હતી.

ફરિયાદી અને વિદ્યાર્થીઓ આ લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે ગાંધીનગર એ.સી.બી. પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી સમગ્ર બાબતે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે એ.સી.બી. દ્વારા લાંચના છટકાનું સચોટ આયોજન કરવામાં આવ્યું હતું.
તા. ૦૫/૧૦/૨૦૨૬ના રોજ જે.એસ.ચૌહાણ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલા ડોક્ટર સરકારી સ્ટાફ ક્વાટર્સ ખાતે આયોજિત છટકા દરમિયાન આરોપી ડો. રહીમભાઈ મેમણે ફરિયાદી પાસેથી લાંચની રકમ રૂ. ૪૦,૦૦૦ સ્વીકારતા જ એ.સી.બી.ની ટીમે તેમને ઝડપી લીધા હતા. એ.સી.બી. દ્વારા સ્વીકારેલી લાંચની પૂરેપૂરી રૂ. ૪૦,૦૦૦ની રકમ રિકવર કરવામાં આવી છે.

આ સફળ ટ્રેપ કામગીરી ગાંધીનગર એ.સી.બી. પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ. લાસન અને તેમની ટીમ દ્વારા પાર પાડવામાં આવી હતી. એ.સી.બી.એ આરોપી તબીબ સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(12:24 PM IST)