News of Monday, 20th April 2026
મહેસાણાના જોટાણામાં એસીબીનો સપાટો : હરસુંડલ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી વિવેકભાઇ કિરીટભાઇ ચૌધરી અને વીસીઇ વિશાલકુમાર સેંધાજી ઠાકોર જમીન વારસાઈના કામમાં ૧૦ હજારની લાંચ લેતા ઝડપાયા
મદદનીશ નિયામક એ.કે.પરમાર અને ઇન્ચાર્જ નાયબ નિયામક હરેશ મેવાડાના માર્ગદર્શન હેઠળ પીઆઈ એસ.ડી.ચાવડાએ ગોઠવેલી ટ્રેપમાં વારસાઈ એન્ટ્રી પાડવા માટે ૧૨ હજારની માંગણી કરી ૧૦ હજાર સ્વીકારતા બંને લાંચિયા સરકારી કર્મચારીઓ રંગેહાથ પકડાયા

મહેસાણા : મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાના હરસુંડલ ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચાર સામે એસીબી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. હરસુંડલ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી (વર્ગ-૩) વિવેકભાઇ કિરીટભાઇ ચૌધરી અને વી.સી.ઇ. વિશાલકુમાર સેંધાજી ઠાકોર જમીનના ખાતામાં વારસાઈ નામ દાખલ કરવાના બદલામાં લાંચ લેતા ઝડપાઇ ગયા છે. આ સમગ્ર કામગીરી એસીબીના ઉચ્ચ અધિકારીઓના સીધા સુપરવિઝન હેઠળ સફળતાપૂર્વક પાર પાડવામાં આવી છે.
આ ઘટનાની વિગત મુજબ, આ કેસના ફરિયાદીના પિતાના અવસાન બાદ તેમની વડિલોપાર્જિત જમીનમાં વારસદારોના નામ દાખલ કરવાના હતા. કુલ ત્રણ ખાતામાં નામો ચડાવવાની કામગીરી માટે આરોપી તલાટી કમ મંત્રી વિવેકભાઇ કિરીટભાઇ ચૌધરી અને વી.સી.ઇ. વિશાલકુમાર સેંધાજી ઠાકોરે એક ખાતા દીઠ ૪,૦૦૦ રૂપિયાની માંગણી કરી હતી. આમ, કુલ ત્રણ ખાતાના મળીને ૧૨,૦૦૦ રૂપિયાની લાંચની માંગણી કરવામાં આવી હતી. ફરિયાદી આ ભ્રષ્ટાચારના નાણાં આપવા માંગતા ન હોવાથી તેમણે મહેસાણા એસીબી પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધ્યો હતો.
ફરિયાદીની ફરિયાદના આધારે એસીબીની ટીમ દ્વારા તારીખ ૨૦/૦૪/૨૦૨૬ના રોજ હરસુંડલ ગ્રામ પંચાયત કચેરીમાં લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટ્રેપ દરમિયાન તલાટી વિવેકભાઇ ચૌધરી અને વી.સી.ઇ. વિશાલકુમાર ઠાકોરે ફરિયાદી સાથે લાંચના નાણાં અંગે હેતુલક્ષી વાતચીત કરી હતી. રકઝકના અંતે ૧૦,૦૦૦ રૂપિયા લેવાનું નક્કી થયું હતું. જ્યારે વિશાલકુમાર ઠાકોરે ૧૦,૦૦૦ રૂપિયાની લાંચ સ્વીકારી ત્યારે જ એસીબીની ટીમે ત્રાટકીને બંનેને સ્થળ પર જ દબોચી લીધા હતા. એસીબીએ લાંચની ૧૦,૦૦૦ રૂપિયાની પૂરેપૂરી રકમ રિકવર કરી લીધી છે.
આ સફળ ટ્રેપની કામગીરી મહેસાણા એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ડી.ચાવડા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી. આ સમગ્ર ઓપરેશન ગાંધીનગર એસીબી એકમના મદદનીશ નિયામક એ.કે.પરમારના સુપરવિઝન હેઠળ અને અમદાવાદ એસીબીના ઇન્ચાર્જ નાયબ નિયામક હરેશ મેવાડાના સીધા માર્ગદર્શન હેઠળ પૂર્ણ કરવામાં આવ્યું હતું. એસીબીએ બંને આરોપીઓ વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(9:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
