News of Saturday, 23rd May 2026
ખાતાધારકો સાવધાન! સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)માં સતત ૬ દિવસ સુધી કામકાજ ઠપ્પ થવાના એંધાણ: ૨૫ અને ૨૬ મેના રોજ દેશવ્યાપી હડતાળને પગલે બેંકે જાહેર કરી સત્તાવાર એડવાઈઝરી
ચોથા શનિવાર, રવિવાર, બે દિવસની હડતાળ અને તહેવારની રજાઓ ભેગી થતાં ગ્રાહકો મુશ્કેલીમાં મુકાશે; કેશ કાઉન્ટર, ચેક ક્લિયરિંગ અને પાસબુક અપડેટ જેવા કામો અટકશે, ડિજિટલ પ્લેટફોર્મ વાપરવા બેંકની અપીલ

અમદાવાદ: જો તમારું ખાતું પણ દેશની સૌથી મોટી સરકારી બેંક 'સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા' (SBI)માં હોય, તો તમારા માટે આ અતિ મહત્વના સમાચાર છે. SBIના કર્મચારીઓ આગામી ૨૫ અને ૨૬ મે ૨૦૨૬ના રોજ બે દિવસની મોટી હડતાળ પર ઉતરી રહ્યા છે. આ દેશવ્યાપી હડતાળને ધ્યાનમાં રાખીને સ્ટેટ બેંકે ગ્રાહકો માટે એક ખાસ અને તાકીદની એડવાઈઝરી જાહેર કરી છે. બેંકે પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી માહિતી આપતા જણાવ્યું છે કે, અખિલ ભારતીય સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સ્ટાફ ફેડરેશન (AISBISF) દ્વારા આ બે દિવસીય હડતાળનું એલાન કરવામાં આવ્યું છે, જેના કારણે બેંકિંગ સેવાઓ ખોરવાઈ શકે છે.
ચિંતાની વાત એ છે કે, હડતાળ પહેલા ૨૩ મેના રોજ ચોથો શનિવાર અને ૨૪ મેના રોજ રવિવારની રજા છે. ત્યાર બાદ ૨૫ અને ૨૬ મેના રોજ બે દિવસ કર્મચારીઓની હડતાળ રહેશે અને તેના તરત પછીના દિવસોમાં બકરી ઈદની રજા આવી રહી છે. આ તમામ સંજોગો ભેગા થતાં દેશના કેટલાક ભાગોમાં સ્ટેટ બેંક સતત ૬ દિવસ સુધી બંધ રહેવાની ભીતિ સેવાઈ રહી છે. આ હડતાળ મુખ્યત્વે 'વર્કમેન કેટેગરી' એટલે કે ક્લાર્ક અને અન્ય સપોર્ટિંગ સ્ટાફ દ્વારા કરવામાં આવી રહી હોવાથી શાખાઓમાં કેશ કાઉન્ટર પર રોકડની લેવડદેવડ, ચેક ક્લિયરિંગ અને પાસબુક અપડેટ જેવા રોજિંદા કામો સંપૂર્ણપણે અટકી જશે.
મુશ્કેલીથી બચવા બેંકે ગ્રાહકોને કરી આ અપીલ:
સ્ટેટ બેંકે ગ્રાહકોને પડનારી અસુવિધા બદલ માફી માગતા જણાવ્યું છે કે તેઓ બ્રાન્ચમાં જરૂરી સેવાઓ ચાલુ રાખવા પૂરતો પ્રયાસ કરી રહ્યા છે. છતાં ગ્રાહકોને કોઈ તકલીફ ન પડે તે માટે બેંકે નીચે મુજબના વિકલ્પો વાપરવા સલાહ આપી છે:
• રોકડ નાણાંની તાકીદની જરૂરિયાત માટે એટીએમ (ATM) અથવા કેશ ડિપોઝિટ મશીન (ADWM)નો ઉપયોગ કરવો.
• ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારોમાં કસ્ટમર સર્વિસ પોઈન્ટ (CSP)ની મદદ લેવી.
• નાણાકીય વ્યવહારો માટે ઇન્ટરનેટ બેંકિંગ, YONO એપ, મોબાઈલ બેંકિંગ અને યુપીઆઈ (UPI) જેવા ડિજિટલ પ્લેટફોર્મ્સનો મહત્તમ ઉપયોગ કરવો.
કયા કારણોસર કર્મચારીઓ ઉતર્યા છે હડતાળ પર?
બેંક કર્મચારી સંગઠનો લાંબા સમયથી પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈને સરકાર અને બેંક પ્રશાસન સામે લડી રહ્યા છે. તેમની મુખ્ય માંગણીઓમાં મેસેન્જર્સ અને સશસ્ત્ર ગાર્ડ્સ (Armed Guards)ની નવી કાયમી ભરતી કરવી, આઉટસોર્સિંગ પ્રક્રિયા પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવો, પૂરતો સ્ટાફ આપવો અને કર્મચારીઓના પગાર તેમજ અન્ય સુવિધાઓમાં પ્રવર્તતી અસમાનતાઓને દૂર કરવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પેન્શન ફંડ મેનેજર પસંદ કરવાની સ્વતંત્રતા, મેડિકલ સ્કીમમાં સુધારો, પેન્શનમાં તમામ ભથ્થાં ઉમેરવા અને કર્મચારી નિર્દેશકની નિમણૂક જેવા મુદ્દાઓ વહેલી તકે ઉકેલવા માટે સ્ટાફ ફેડરેશને આ આરપારની લડાઈનું શસ્ત્ર ઉગામ્યું છે.
(7:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
