<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th April 2026

તાપી પોલીસની ચૂંટણી પહેલાં કાર્યવાહી 196 પરવાનેદારે હથિયારો જમા કર્યા :જે.એન. દેસાઈ

25 વર્ષથી નાસતા ફરતા આરોપી સહિત 5 ઝડપાયા, 196 પરવાનેદારે હથિયારો જમા કર્યા

તાપી જિલ્લા પોલીસે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-2026ને ધ્યાનમાં રાખીને તાપી જિલ્લા પોલીસ અધિક્ષક જે.એન. દેસાઈએ જિલ્લામાં કાયદો-વ્યવસ્થા જાળવવા હાથ ધરાયેલી કાર્યવાહી અંગે સંક્ષિપ્ત માહિતી આપતા જણાવ્યું હતું કે કાયદો અને વ્યવસ્થા જાળવવા સઘન ઝુંબેશ શરૂ કરી છે. આ અંતર્ગત હથિયારો જમા લેવા, નાસતા-ફરતા આરોપીઓની ધરપકડ કરવા અને અટકાયતી પગલાં લેવા સહિતની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ચૂંટણી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લામાં પરવાનાવાળા હથિયારો જમા લેવાની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે. કુલ 245 હથિયારોમાંથી 196 જમા લેવાયા છે, 3 જપ્ત કરાયા છે, 17 રદ/કમી કરાયા છે અને 29ને મુક્તિ અપાઈ છે. હવે કોઈ હથિયાર જમા લેવાનું બાકી નથી.
1 એપ્રિલ, 2026થી અત્યાર સુધીમાં કુલ 192 નાસતા-ફરતા આરોપીઓમાંથી 5ને ઝડપી પાડવામાં આવ્યા છે. વાલોડ પોલીસે છેલ્લા 25 વર્ષથી ફરાર ઉત્તર પ્રદેશના ગીરીશચંદ્ર ઉર્ફે લલ્લુ મિશ્રાને પકડ્યો છે. સોનગઢ પોલીસે 12 વર્ષથી નાસતા ફરતા મહારાષ્ટ્રના શાંતારામ કોલીની ધરપકડ કરી છે. ઉચ્છલ, સોનગઢ અને ઉકાઈ પોલીસે પ્રોહિબિશન અને અન્ય ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓની પણ અટકાયત કરી છે.
શાંતિપૂર્ણ માહોલ જાળવવા માટે કુલ 1584 વ્યક્તિઓ સામે અટકાયતી પગલાં લેવાયા છે. જેમાં BNSSની વિવિધ કલમો હેઠળ 1118થી વધુ લોકો સામે કાર્યવાહી કરાઈ છે, જ્યારે પ્રોહિબિશન કલમ 93 હેઠળ 431 લોકોની અટકાયત કરાઈ છે. આ ઉપરાંત, 4 તડીપાર દરખાસ્ત અને 1 પાસા હેઠળની દરખાસ્ત પણ કરવામાં આવી છે.
ચૂંટણીલક્ષી ચેકિંગ દરમિયાન પોલીસે મોટા પાયે દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. કુલ 216 પ્રોહિબિશન કેસ નોંધાયા છે, જેમાં 160 કેસ દેશી દારૂના (617 લીટર, કિંમત ₹1,23,400) અને 56 કેસ વિદેશી દારૂના (686 બોટલ, કિંમત ₹84,570) છે. તાપી પોલીસ દ્વારા લેવાયેલા આ કડક પગલાંને કારણે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બની છે.

(1:24 PM IST)