<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th July 2026

માંજલપુર વિધાનસભાની પેટાચૂંટણીના અનુસંધાને ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરી જાહેરસભાને સંબોધિત કરતા ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા

ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં કલેકટર કચેરી, વડોદરા ખાતે ભાજપા ઉમેદવાર સતિષભાઈ પટેલે ઉમેદવારી પત્ર ભર્યું: વિશાળ વિજય વિશ્વાસ બાઈક રેલી યોજાઇ: ભાજપના ઉમેદવાર સતિષભાઈ પટેલનો જંગી બહુમતીથી વિજય સ્વ. યોગેશભાઈ પટેલને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ હશે:જગદીશભાઈ વિશ્વકર્મા

વડોદરા :ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની યાદી જણાવે છે કે, ગુજરાત વિધાનસભાની 145-માંજલપુર વિધાનસભાની પેટાચૂંટણીના અનુસંધાને વડોદરા ખાતે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માના વરદ હસ્તે ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમની વિશેષ ઉપસ્થિતિમાં માંજલપુર ખાતે વિશાળ જાહેરસભા યોજાઈ હતી. જાહેરસભા પૂર્ણ થયા બાદ ઉત્સાહભેર યોજાયેલી ‘વિજય વિશ્વાસ બાઈક રેલી’ કલેક્ટર કચેરી સુધી પહોંચી હતી, જ્યાં ભાજપના ઉમેદવાર  સતિષભાઈ પટેલે પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં ઉમેદવારીપત્ર દાખલ કર્યું હતું. જાહેરસભાની શરૂઆતમાં ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા સહિત ઉપસ્થિત સૌ આગેવાનોએ સ્વ. યોગેશભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી હતી
ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ વિશાળ જાહેરસભાને સંબોધિત કરતા જણાવ્યું હતું જણાવ્યું હતું કે, નવનિર્માણ આંદોલનથી શરૂ થયેલી સ્વ. યોગેશભાઈ પટેલની જાહેરજીવનની યાત્રા લોકસેવા, વિકાસ અને જનવિશ્વાસનું પ્રતિક બની રહી હતી. માંજલપુર પેટાચૂંટણીમાં ભાજપનો વિજય નિશ્ચિત છે તેમ જણાવતા તેમણે કહ્યું કે, પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સતિષભાઈ પટેલના જંગી વિજય દ્વારા સ્વ. યોગેશભાઈ પટેલને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ અર્પણ થશે તેમજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં થઈ રહેલા વિકાસયજ્ઞને વધુ બળ મળશે.
વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી સામાન્ય કાર્યકર્તાઓને તક આપતી પાર્ટી છે અને સતિષભાઈ પટેલ તેનું જીવંત ઉદાહરણ છે. ભાજપ જ એવો પક્ષ છે જ્યાં કોઈપણ કાર્યકર્તા પરિશ્રમ, સેવા, સમર્પણ અને સંગઠન પ્રત્યેની નિષ્ઠાના બળે આગળ વધી શકે છે. માટે જ ભાજપાને ‘Party with a drifference‘ કહેવાય છે. સ્વ. યોગેશભાઈ પટેલે પણ સામાન્ય કાર્યકર્તાથી શરૂઆત કરીને સતત આઠ વખત લોકવિશ્વાસ પ્રાપ્ત કર્યો હતો અને અંતિમ શ્વાસ સુધી પ્રજા વચ્ચે રહી લોકસેવાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. સ્વ. યોગેશકાકાની લોકપ્રિયતા, જમીની સ્તરે તેમનું જોડાણ અને મજબૂત જનસંપર્ક આજે પણ દરેક કાર્યકર્તા માટે પ્રેરણારૂપ છે. માંજલપુરની જનતાએ હંમેશા ભાજપા પર વિશ્વાસ મૂક્યો છે અને વિરોધી પક્ષોના સૂપડા સાફ કર્યા છે.
વિશ્વકર્માએ કહ્યું કે, ભાજપાના કાર્યકર્તાઓ દિવસ-રાત, તડકો-છાંયડો જોયા સિવાય હંમેશા કાર્યરત રહે તે જ ભાજપાની સૌથી મોટી તાકાત છે. સતિષભાઈ પટેલને સંગઠન અને વહીવટી કામગીરીનો વર્ષોનો વિશાળ અનુભવ છે. તેમણે કોઈ પ્રકારની અપેક્ષા અને માગણી કર્યા સિવાય નિષ્ઠાપૂર્વક પક્ષ માટે માટે કાર્ય કર્યું છે. તેમણે કાર્યકર્તાઓને ઘર-ઘર સુધી પહોંચી વધુમાં વધુ મતદાન સુનિશ્ચિત કરવા અને કમળના વિજય માટે સંપૂર્ણ સમર્પણ સાથે કાર્ય કરવા આહ્વાન કર્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું કે આજે વિશ્વના 35થી વધુ દેશોએ  ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને સર્વોચ્ચ સન્માનથી નવાજ્યા છે અને 19થી વધુ દેશોની સંસદોને મોદીજીએ સંબોધિત કરી ભારતનું ગૌરવ વિશ્વભરમાં વધાર્યું છે. ગુજરાતની જનતાએ છેલ્લા ત્રણ દાયકાથી કમળના નિશાન અને ભારતીય જનતા પાર્ટી પર સતત વિશ્વાસ વ્યક્ત કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના વિકાસલક્ષી નેતૃત્વને જનતા સતત સમર્થન આપી રહી છે.
આ જાહેરસભામાં વડોદરા મહાનગર ભાજપા અધ્યક્ષ ડૉ. જયપ્રકાશ સોનીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. ત્યારબાદ ભાજપાના ઉમેદવાર સતિષભાઈ પટેલે તેમના પ્રાસંગિક ઉદબોધનમાં માંજલપુરની જનતાને ભાજપાને વિજયી બનાવવા અપીલ કરી હતી અને જણાવ્યું હતું કે તેઓ તેઓ ભાજપાના કાર્યકર તરીકે સ્વ. યોગેશભાઈ પટેલના અધૂરા સંકલ્પોને પૂર્ણ કરવા તેમજ માંજલપુરના વિકાસ માટે અવિરતપણે કાર્યરત રહેશે.
આ પ્રસંગે રાજ્ય સરકારના મંત્રીઓ રમણભાઇ સોલંકી, મનીષાબેન વકીલ, પ્રદેશ મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, પ્રદેશ ઉપાધ્યક્ષ રસિકભાઇ પ્રજાપતિ, સાંસદ તેમજ પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ ડો. હેમાંગભાઇ જોષી, વિધાનસભાના દંડક બાલકૃષ્ણભાઇ શુક્લ, મેયર ગીતાબેન મકવાણા, ધારાસભ્યઓ, સ્વર્ગસ્થ યોગેશભાઇના સુપુત્ર રાકેશભાઇ પટેલ, ભાજપા આગેવાનો, કાર્યકર્તાઓ પદાધિકારીઓ, મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(7:11 PM IST)