અમદાવાદ એસીબીની સફળ ડીકોય : ESIC હોસ્પિટલમાં નોકરીના બહાને રૂ. ૯૫,૦૦૦ ની લાંચ લેતા સિક્યુરિટી કંપનીના ઓપરેશન મેનેજર પ્રમોદ પાંડે, પંકજ મિશ્રા, રાજીવ શુકલા અને જયેશ ચૌધરી ઝડપાયા
ટ્રેપિંગ અધિકારી પી.આઈ. શ્રીમતી ડી.બી. ગોસ્વામીની ટીમે વટવા ખાતે સફળ છટકું ગોઠવ્યું : આરોપીઓ પાસેથી લાંચની રકમ સહિત ઓફિસ અને હોટલ રૂમમાંથી કુલ રૂ. ૨૧.૫૭ લાખની રોકડ રકમ કબ્જે કરાઈ

રાજકોટ: સરકારી હોસ્પિટલોમાં કરાર આધારિત નોકરીઓ આપવાના બહાને ઉમેદવારો પાસેથી ગેરકાયદેસર રીતે લાંચ ઉઘરાવતી ખાનગી એજન્સી વિરુદ્ધ એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ મોટી સફળતા મેળવી છે. અમદાવાદના બાપુનગર ખાતે આવેલી ESIC મોડલ જનરલ (સરકારી) હોસ્પિટલમાં વિવિધ કેટેગરીમાં કર્મચારીઓને કરાર આધારિત નોકરી પર રાખવા માટે લાંચની માંગણી કરતી સિક્યોરશીલ્ડ સિક્યુરિટી સર્વિસ પ્રા.લી. કંપનીના ઓપરેશન મેનેજરો અને સહ-આરોપીઓ સામે એસીબીએ સફળ ડીકોય છટકું ગોઠવી ચાર શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા છે.
એસીબી હેલ્પલાઇન ૧૦૬૪ પર ખાનગી રાહે મળેલી ફરિયાદો મુજબ, બાપુનગર ESIC હોસ્પિટલ સાથે કર્મચારીઓ પૂરા પાડવાનો કોન્ટ્રાક્ટ ધરાવતી સિક્યોરશીલ્ડ સિક્યુરિટી સર્વિસ પ્રા.લી. કંપની દ્વારા ઉમેદવારો પાસેથી રૂ. ૩૦,૦૦૦ થી લઈને રૂ. ૧,૫૦,૦૦૦ સુધીની ગેરકાયદેસર લાંચ માંગવામાં આવતી હતી. આ બાતમીના આધારે એસીબીની ટીમે એક જાગૃત નાગરિકનો સહકાર મેળવી ડીકોયર તૈયાર કરી ૧૦ સપ્ટેમ્બર ૨૦૨૬ ના રોજ આયોજનબદ્ધ રીતે લાંચના ડીકોય છટકાની ગોઠવણ કરી હતી.
ડીકોય દરમિયાન વટવા જી.આઈ.ડી.સી. વિસ્તારમાં આવેલા મેટ્રિક્સ પ્લાઝા કોમ્પ્લેક્સના પ્રથમ માળે ઓફિસ નંબર ૧૧૪ ખાતે, કંપનીના ઓપરેશન મેનેજર પ્રમોદ શંકર પાંડે (રહે. નવી દિલ્હી) એ ડીકોયર પાસે રૂ. ૯૫,૦૦૦ ની લાંચની માંગણી કરી નાણાં સ્વીકાર્યા હતા. આ ગુનામાં મદદગારી કરનાર ઓપરેશન મેનેજર પંકજકુમાર રાજકુમાર મિશ્રા (રહે. નવી દિલ્હી), રાજીવભાઈ કાલિકાપ્રસાદ શુકલા (રહે. વટવા, અમદાવાદ) અને જયેશકુમાર ધીરૂભાઈ ચૌધરી (રહે. જુમસર, તા. ઈડર, જી. સાબરકાંઠા) ને પણ એસીબીએ સ્થળ પરથી પકડી પાડ્યા છે.
અમદાવાદ ગ્રામ્ય એ.સી.બી. પોલીસ સ્ટેશનના મહિલા પોલીસ ઈન્સ્પેક્ટર શ્રીમતી ડી.બી. ગોસ્વામીની આગેવાની હેઠળની ટીમે સ્થળ પરથી લાંચના સ્વીકારેલા રૂ. ૯૫,૦૦૦ પૂરેપૂરા રિકવર કર્યા હતા. તદુપરાંત, વટવા ખાતે આવેલી એજન્સીની ઓફિસના ટેબલના ખાનામાંથી રૂ. ૨,૨૯,૦૦૦ ની શંકાસ્પદ રોકડ મળી આવી હતી. ત્યારબાદ એસીબીએ નવી દિલ્હીથી આવેલા આરોપી પ્રમોદ પાંડે અને પંકજકુમાર મિશ્રા જે હોટલમાં રોકાયા હતા ત્યાં ઝડતી તપાસ હાથ ધરતાં, તેમની બેગમાંથી વધુ રૂ. ૧૯,૨૯,૯૦૦ ની રોકડ મળી આવી હતી. આમ, એસીબીએ કુલ રૂ. ૨૧,૫૭,૯૦૦ ની રોકડ રકમ જપ્ત કરી કાયદેસરની ધાકબેસાડતી કાર્યવાહી હાથ ધરી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
