News of Saturday, 16th May 2026
અમદાવાદ એસીબીની સફળ ટ્રેપ : કણભાના અનાર્મ એએસઆઈ ભાવેશ રાવલ અને જીઆરડી સભ્ય કમલેશ ઉર્ફે રોબર્ટ બારોટ ૩૦,૦૦૦ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા : ત્રીજો આરોપી રણજીત સોલંકી ફરાર
નાયબ નિયામક હરેશ મેવાડા અને મદદનીશ નિયામક એમ.એચ. પુવારના સુપરવિઝનમાં પીઆઈ ડી.બી. ગોસ્વામીએ બાકરોલ ચોકી કમ્પાઉન્ડમાં ગોઠવ્યું છટકું : કોસ્મેટિક ફેક્ટરીના માલિકને જેલમાં પૂરી દેવાની ધમકી આપી મંગાયા હતા નાણાં

અમદાવાદ : અમદાવાદ ગ્રામ્ય એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી) દ્વારા લાંચિયા સરકારી બાબુઓ અને વહીવટદારો સામે લાલ આંખ કરીને વધુ એક સફળ ટ્રેપનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ જિલ્લાના કણભા પોલીસ સ્ટેશન હેઠળ આવતી બાકરોલ પોલીસ ચોકીના કમ્પાઉન્ડમાં જ એસીબીની ટીમે છટકું ગોઠવીને લાંચના રૂપિયા ૩૦,૦૦૦ સ્વીકારતા અનાર્મ એએસઆઈ વર્ગ-૩ ભાવેશભાઈ લાભશંકર રાવલ અને જીઆરડી સભ્ય કમલેશભાઈ ઉર્ફે રોબર્ટ વિનોદભાઇ બારોટને રંગેહાથ ઝડપી લીધા છે. આ ગુનામાં એકબીજાની મદદગારી કરનાર કણભા પોલીસ સ્ટેશનના અન્ય એક જીઆરડી સભ્ય રણજીતભાઈ જશુભાઈ સોલંકી હાજર ન મળી આવતા તેને ફરાર જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ફેક્ટરી માલિકને કેસ કરવાની અને જેલમાં પૂરવાની આપી હતી ધમકી:
આ ચકચારી કેસની ટૂંકી વિગત એવી છે કે, આ કામના ફરિયાદી એક જાગૃત નાગરિક છે અને તેઓ દસ્ક્રોઇ તાલુકાના ધામતવાણ વિસ્તારમાં કોસ્મેટિક ચીજવસ્તુઓનું ઉત્પાદન કરવાની ફેક્ટરી ધરાવે છે. ગત તારીખ ૧૪/૦૫/૨૦૨૬ના રોજ કણભા પોલીસ સ્ટેશનના અનાર્મ એએસઆઈ ભાવેશભાઈ રાવલ, જીઆરડી સભ્ય કમલેશભાઈ ઉર્ફે રોબર્ટ બારોટ, રણજીતભાઈ સોલંકી તથા અન્ય એક અજાણ્યો માણસ ફરિયાદીની ફેક્ટરી પર ધસી ગયા હતા. ત્યાં જઈને તેમણે ફેક્ટરીના માલસામાન ઉપર નવી તારીખ છાપીને એક્સપાયર થઈ ગયેલ માલસામાન કેમ વેચો છો તેમ કહી ડરાવવાનો પ્રયાસ કર્યો હતો. ભાવેશભાઈ અને રોબર્ટ બારોટે ફેક્ટરી માલિક વિરુદ્ધ કાયદેસરનો કેસ કરવાની અને જેલમાં પૂરી દેવાની ધમકી આપી હતી. આ કેસ ન કરવાના અવેજ પેટે તેમણે પ્રથમ રૂપિયા બે લાખની લાંચની માંગણી કરી હતી, પરંતુ અંતે રકઝકના છેડે રૂપિયા ૩૦,૦૦૦ આપવાનું નક્કી થયું હતું.
નાણાંની વ્યવસ્થા ન થતાં વાયદો કર્યો, બાદમાં એસીબીનો સંપર્ક સાધ્યો:
લાંચની રકમ નક્કી થયા બાદ તારીખ ૧૫/૦૫/૨૦૨૬ના રોજ સાંજના સમયે જીઆરડી સભ્ય રણજીતભાઈ સોલંકી ફરિયાદીની ફેક્ટરીએ પહોંચ્યો હતો. તેણે ફેક્ટરી માલિકને જણાવ્યું કે તેને ભાવેશભાઈ અને રોબર્ટ બારોટે રૂપિયા ૩૦,૦૦૦ લેવા માટે મોકલ્યો છે. જો કે તે સમયે ફરિયાદી પાસે નાણાંની સગવડ ન હોવાથી રણજીતભાઈએ ભાવેશભાઈ અથવા રોબર્ટ બારોટ સાથે ફોન પર વાત કરાવીને ટૂંક સમયમાં પૈસા આપી જવાનો વાયદો કર્યો હતો. જાગૃત ફરિયાદી આ લાંચના નાણાં આપવા બિલકુલ માંગતા ન હોવાથી તેમણે તુરંત જ એસીબીના ટોલ ફ્રી નંબર ૧૦૬૪ પર સંપર્ક સાધીને સમગ્ર હકીકત જણાવી આ અંગે સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી.
બાકરોલ પોલીસ ચોકીના કમ્પાઉન્ડમાં કારની અંદર જ ગોઠવાયું છટકું:
ફરિયાદીની વિગતોના આધારે એસીબીની ટીમ દ્વારા તારીખ ૧૬/૦૫/૨૦૨૬ના રોજ લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. ટ્રેપ દરમિયાન અનાર્મ એએસઆઈ ભાવેશભાઈ રાવલે ફરિયાદીને ફોન કરીને લાંચના નાણાં બીજા આરોપી કમલેશભાઈ ઉર્ફે રોબર્ટ બારોટને સોંપી દેવા માટે જણાવ્યું હતું. આ સૂચના મુજબ બાકરોલ પોલીસ ચોકીના કમ્પાઉન્ડમાં ફરિયાદીની કારની અંદર જ કમલેશભાઈ ઉર્ફે રોબર્ટ બારોટે લાંચની માંગણી અંગે હેતુલક્ષી વાતચીત કરી હતી અને લાંચના રૂપિયા ૩૦,૦૦૦ સ્વીકાર્યા હતા. નાણાંનો સ્વીકાર થતાં જ એસીબીની ટીમે ત્રાટકીને આરોપી ભાવેશભાઈ રાવલ અને કમલેશભાઈ બારોટ બંનેને પકડી પાડી લાંચની સંપૂર્ણ રકમ રિકવર કરી લીધી હતી. ત્રીજો આરોપી રણજીતભાઈ સોલંકી ઘટનાસ્થળે હાજર ન મળી આવતા તેને પકડવા ચક્રો ગતિમાન કરાયા છે.
ઉચ્ચ એસીબી અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સફળ ઓપરેશન:
આ સમગ્ર સફળ ટ્રેપનું સંચાલન ઇન્ચાર્જ અધિકારી અને નાયબ નિયામક એસીબી અમદાવાદ હરેશ મેવાડા તેમજ સુપરવિઝન અધિકારી અને મદદનીશ નિયામક એસીબી અમદાવાદ એકમ એમ.એચ. પુવારના સીધા માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. અમદાવાદ ગ્રામ્ય એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સુશ્રી ડી.બી. ગોસ્વામીએ ટ્રેપિંગ અધિકારી તરીકે કડક હાથે આ કામગીરી પાર પાડીને ભ્રષ્ટ તત્વોને ઝડપી લીધા હતા. એસીબીની આ સફળ કાર્યવાહીને પગલે પોલીસ બેડામાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
(4:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
