News of Saturday, 9th May 2026
અમદાવાદ એરપોર્ટ પર 'મહા સેલ': કસ્ટમ્સે જપ્ત કરેલા આઇફોન અને લક્ઝરી ઘડિયાળો ખરીદવા પડાપડી, એક જ લોટ માટે ૧૩ લાખની બોલી લાગી!
૧૦ વર્ષ બાદ યોજાયેલી કસ્ટમની ભવ્ય હરાજીમાં ગેજેટ પ્રેમીઓનો જોરદાર ધસારો; આઇફોન ૧૧ થી ૧૫ સિરીઝના મોડલ્સ માટે મોડી રાત સુધી ચાલી હરાજીની પ્રક્રિયા

અમદાવાદ : અમદાવાદના ગેજેટ પ્રેમીઓ અને સસ્તામાં મોંઘી વસ્તુઓ ખરીદવા ઈચ્છતા લોકો માટે ગઈકાલનો દિવસ કોઈ તહેવારથી ઓછો નહોતો. સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટના કસ્ટમ વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવેલા આઇફોન (iPhones) અને વિદેશી લક્ઝરી ઘડિયાળોની ઓનલાઇન હરાજી યોજાતા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ૧૦ વર્ષના લાંબા ગાળા બાદ અમદાવાદમાં આટલી મોટી હરાજી થઈ હોવાથી હજારો લોકોએ ઓનલાઇન પોર્ટલ પર પડાપડી કરી હતી.
શું શું મુકાયું હતું હરાજીમાં? આ મેગા ઇ-ઓક્શન MSTCL પોર્ટલ મારફતે યોજવામાં આવ્યું હતું. જેમાં વર્ષ ૨૦૧૯ થી ૨૦૨૩ દરમિયાન દાણચોરીના કેસમાં પકડાયેલા કુલ ૮૭ આઇફોન અને ૨૭ કિંમતી વિદેશી ઘડિયાળોનો સમાવેશ થતો હતો. ખાસ કરીને આઇફોન ૧૧ થી લઈને છેક અત્યાધુનિક આઇફોન ૧૫ સિરીઝના મોડલ્સ અને એપલ વોચ સિરીઝ-૬ જેવી વસ્તુઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી.
૫ વાગ્યાનો સમય પણ બોલી મોડી સાંજ સુધી ચાલી કસ્ટમ વિભાગના જણાવ્યા અનુસાર, હરાજી માટે બપોરે ૧ થી ૫ વાગ્યા સુધીનો સમય નિર્ધારિત હતો, પરંતુ લોકોની ભારે ભીડ અને સ્પર્ધાને જોતા બોલી લગાવવાની પ્રક્રિયા મોડી સાંજ સુધી ચાલુ રહી હતી. હરાજી પૂર્વે ઘણા ઉત્સાહી ખરીદદારોએ એરપોર્ટ પર જઈને આ તમામ વસ્તુઓનું રૂબરૂ નિરીક્ષણ (Physical Inspection) પણ કર્યું હતું.
બોલીના આંકડા જાણીને ચોંકી જશો
હરાજી દરમિયાન વિવિધ લોટમાં ભારે સ્પર્ધા જોવા મળી હતી:
• પ્રથમ લોટ: આ લોટ માટે ૨૬૫ જેટલી બોલીઓ લાગી હતી અને અંતે તે રૂ. ૫.૧૮ લાખમાં વેચાયો હતો.
• બીજો લોટ: આ લોટમાં ૨૦૫ બોલીઓ લાગી અને રકમ રૂ. ૧૩.૦૬ લાખ સુધી પહોંચી ગઈ હતી. જોકે, આ રકમ વિભાગે નક્કી કરેલી લઘુત્તમ 'રિઝર્વ પ્રાઇસ' સુધી ન પહોંચતા આ લોટની હરાજી હાલ પેન્ડિંગ રાખવામાં આવી છે.
હજુ વધુ ૧૫૮ મોબાઈલની હરાજીની તૈયારી સૂત્રોના જણાવ્યા અનુસાર, હજુ પણ કસ્ટમ પાસે ૧૫૮ જેટલા જપ્ત કરાયેલા મોબાઈલ ફોન છે. આ ફોન્સના નિકાલ માટે સરકારની મંજૂરીની રાહ જોવાઈ રહી છે, એટલે કે ટૂંક સમયમાં જ આવી બીજી એક મોટી હરાજી ફરીથી યોજાઈ શકે છે.
(6:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
