<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th July 2026

100 વર્ષમાં ચોથી વાર અમદાવાદ બન્યું 'જળનગરી'! ગુરુવારના આફતના વરસાદથી ઉદ્યોગો ધમરોળાયા, ગેરેજોમાં ગાડીઓની લાંબી કતારો

છેલ્લા એક દાયકાનો રેકોર્ડ તોડતાં 296 mm વરસાદથી પશ્ચિમ અમદાવાદ જળમગ્ન, મોબાઈલ નેટવર્ક ઠપ થતાં અને વાહનો બંધ પડતાં કરોડોના નુકસાનની ભીતિ

અમદાવાદ : અમદાવાદ શહેરમાં ગુરુવારે, 23 જુલાઈએ વરસેલા અનરાધાર વરસાદે 100 વર્ષનો ઈતિહાસ તાજો કરી દીધો છે. સામાન્ય વરસાદથી ટેવાયેલા અમદાવાદીઓ માટે ગુરુવારનો દિવસ આફતરૂપ સાબિત થયો હતો, જેમાં શહેરનો પશ્ચિમ વિસ્તાર સંપૂર્ણપણે જળમગ્ન થઈ ગયો હતો. હવામાન વિભાગ (IMD) ના આંકડા અનુસાર, છેલ્લા 100 વર્ષના ઈતિહાસમાં 24 કલાકની અંદર આટલો અનપેક્ષિત વરસાદ પડ્યો હોય તેવી આ ચોથી ઘટના છે. આ અગાઉ 1927 માં 414.8 mm, જુલાઈ 2000 માં 325.9 mm અને 1967 માં 322.3 mm વરસાદ નોંધાયો હતો, જ્યારે આ વર્ષે 296 mm વરસાદે આખા શહેરને થંભાવી દીધું હતું.
આ આફતના વરસાદ બાદ હવે પાણી ઓસરતાં જ તારાજીના દ્રશ્યો અને કરોડોના નુકસાનનો અંદાજ સામે આવી રહ્યો છે. ઘરો, દુકાનો અને ઓફિસોમાં પાણી ઘૂસી જતાં વેપાર-ઉદ્યોગોને ભારે ફટકો પડ્યો છે. શહેરમાં ઈન્ટરનેટ અને મોબાઈલ નેટવર્ક સેવાઓ ઠપ થઈ જતાં લોકોનો સંપર્ક તૂટી ગયો હતો, જ્યારે પાણીમાં મોબાઈલ પલળી જવાથી લોકોને નવા ફોન ખરીદવાનો વારો આવ્યો છે.
સૌથી વધુ માઠી અસર વાહનચાલકો પર પડી છે. પાણી ભરાવાના કારણે હજારો ટુ-વ્હીલર્સ અને ફોર-વ્હીલર્સ બંધ પડી જતાં શહેરના નાના-મોટા તમામ ગેરેજ બહાર ગાડીઓની લાંબી લાઈનો જોવા મળી રહી છે. રીપેરિંગ અને સફાઈ માટે લોકો કલાકો સુધી રાહ જોઈ રહ્યા છે.
જોકે, શુક્રવાર અને શનિવારે મેઘરાજાએ ગતિ ધીમી પડતાં અમદાવાદીઓએ હાશકારો અનુભવ્યો છે અને રોડ-રસ્તા પર પરિવહન ધીમે ધીમે પૂર્વવત થઈ રહ્યું છે. પાણી ઓસર્યા બાદ હવે શહેરમાં રોગચાળો ન ફેલાય તે માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા દવાઓનો છંટકાવ અને સફાઈ અભિયાન પુરજોશમાં શરૂ કરી દેવામાં આવ્યું છે.

(7:21 PM IST)