<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th November 2026

અમદાવાદ શહેર પોલીસે ઓરિસાથી ગાંજાની હેરાફેરીના નેટવર્કનો પર્દાફાશ કર્યો:કડીના ત્રણ સપ્લાયરોને ઝડપી પાડ્યા.

અમદાવાદ રેલવે સ્ટેશન નજીક રિક્ષાની તપાસ કરતાં 13 કિલો 622 ગ્રામ ગાંજો મળ્યો: કુલ રૂ.8 લાખનો મુદ્દામાલ કબજે

અમદાવાદ શહેર પોલીસે ગાંજાની હેરાફેરીના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પોલીસે મહેસાણાનાં કડીના ત્રણ સપ્લાયરો મુનાફ ખાન ઉર્ફે ભાયા કુરેશી, હુસેનખાન પઠાણ અને સરફરાજ શેખને ઝડપી પાડ્યા.. આ ત્રણેય આરોપીઓ કડીના કસબા વિસ્તારના રહેવાસી છે. પોલીસે બાતમીના આધારે અમદાવાદ રેલવે સ્ટેશન નજીક રિક્ષાની તપાસ કરતાં 13 કિલો 622 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે ગાંજાના જથ્થા સહિત કુલ રૂ.8 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપીઓની પૂછપરછમાં આ જથ્થો ઓરિસ્સાથી લાવવામાં આવતો હોવાનું સામે આવ્યું હતું. તપાસ દરમિયાન ઓરિસ્સાના નંદકિશોર અને સુમંતા નામના બે સપ્લાયરોની પણ ઓળખ થઈ હતી. તેઓ ગાંજાનો જથ્થો પહોંચાડીને ઓરિસ્સા પરત જઈ રહ્યા હોવાની માહિતી મળતાં રેલવે પોલીસની મદદથી વડોદરા પાસેથી બંનેની અટકાયત કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ગાંજો ખરીદવા આરોપીઓએ નંદકિશોર અને સુમંતાને રૂ.1 લાખ રોકડા અને રૂ.75 હજાર UPI મારફતે ટ્રાન્સફર કર્યા હતા. વધુમાં, ગણેશ નામનો ઓરિસ્સાનો સપ્લાયર છેલ્લા કેટલાક મહિનાથી કડીમાં ગાંજાનો જથ્થો પહોંચાડતો હોવાનું પણ પૂછપરછમાં સામે આવ્યું છે.

(10:03 PM IST)