<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd June 2026

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ૨૪ કલાકમાં બે મોટી હત્યાનો ભેદ ઉકેલતી અભૂતપૂર્વ સફળતા : સાબરમતી રિવરફ્રન્ટ પર પત્ની કોમલબેનની હત્યા કરનાર આરોપી મિનેશ દિનેશભાઈ સોલંકી અને ખોખરામાં પથ્થર મારી દીપકની હત્યા કરનાર મંગલ ઉર્ફે બાબા બોકડેની ધરપકડ

અકસ્માતમાં ખપાવેલી ૯ વર્ષ જૂની કોલ્ડ કેસ મિસ્ટ્રી અને ખોખરાના ચકચારી મર્ડર કેસનો ગણતરીના દિવસોમાં પર્દાફાશ કરી ગુનેગારોને દબોચી લેતી ક્રાઇમ બ્રાન્ચની સ્પેશિયલાઈઝડ ટીમ

 અમદાવાદ:  અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે માત્ર ૨૪ કલાકના ટૂંકા ગાળામાં બે અલગ-અલગ હત્યાના ગુનાનો ભેદ ઉકેલીને કાયદો અને વ્યવસ્થાની દિશામાં એક મોટી સફળતા હાંસલ કરી છે. ક્રાઇમ બ્રાન્ચની સ્પેશિયલાઈઝડ ટીમે માનવ સંસાધનો અને આધુનિક ટેકનિકલ સર્વેલન્સના અદભુત સમન્વય દ્વારા એક તરફ નવ વર્ષ જૂના વણઉકેલાયેલા રહસ્ય પરથી પડદો ઊંચક્યો છે, તો બીજી તરફ ખોખરા વિસ્તારમાં તાજેતરમાં જ બનેલી ઘાતકી હત્યાના આરોપીને ગણતરીના દિવસોમાં ઝડપી લીધો છે.

 કેસ ૧: સાબરમતી રિવરફ્રન્ટ પર અકસ્માત મોતમાં ખપાવેલી ૯ વર્ષ જૂની હત્યાનો ભેદ ઉકેલાયો

વર્ષ ૨૦૧૭માં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે બનેલી એક ઘટના, જેને અત્યાર સુધી માત્ર એક આકસ્મિક ડૂબી જવાનો કિસ્સો માનવામાં આવતો હતો, તે વાસ્તવમાં એક સુઆયોજિત ઠંડા કલેજે કરાયેલી હત્યા હોવાનું ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં બહાર આવ્યું છે. વર્ષ ૨૦૧૭માં કોમલબેન સોલંકી નામની મહિલાના લગ્ન મિનેશ દિનેશભાઈ સોલંકી સાથે થયા હતા. લગ્નના માત્ર ચાર મહિના બાદ જ મિનેશ દિનેશભાઈ સોલંકીએ પોતાની પત્નીથી છુટકારો મેળવવા માટે રથયાત્રાના પવિત્ર તહેવારના દિવસે જ ક્રૂર કાવતરું ઘડ્યું હતું. તે કોમલબેનને રિવરફ્રન્ટ પર ફરવા લઈ ગયો હતો અને તક મળતા જ તેમને સાબરમતી નદીમાં ધક્કો મારી દીધો હતો. ગુના પર પડદો પાડવા માટે શાતિર આરોપીએ બીજા જ દિવસે કાલુપુર પોલીસ સ્ટેશનમાં પત્ની ગુમ થઈ હોવાની ખોટી ફરિયાદ પણ નોંધાવી દીધી હતી. લગભગ એક દાયકા સુધી આ મૃતદેહ અજાણ્યો રહ્યો હતો અને પોલીસે તેને અકસ્માત મોત (એ.ડી. નંબર ૬૪/૧૭) તરીકે ફાઈલ કરી દીધો હતો. ક્રાઇમ બ્રાન્ચની ટીમે ટેકનિકલ પુરાવાઓના આધારે મૃતકની સાચી ઓળખ પ્રસ્થાપિત કરી પતિની ખોટી વાર્તાનો પર્દાફાશ કર્યો છે. પકડાયેલો ૩૧ વર્ષીય મુખ્ય આરોપી મિનેશ દિનેશભાઈ સોલંકી અગાઉ છેતરપિંડી અને બુટલેગિંગ જેવા ગુનાહિત ઇતિહાસમાં પણ સંડોવાયેલો છે.

 કેસ ૨: ખોખરામાં પથ્થરના ઘા ઝીંકી ક્રૂર હત્યા કરનાર આરોપી ગણતરીના દિવસોમાં ઝડપાયો

બીજા એક ઓપરેશનમાં, ક્રાઇમ બ્રાન્ચે ખોખરા વિસ્તારમાં તાજેતરમાં જ બનેલી એક સનસનાટીભરી હત્યાનો ભેદ ઉકેલવામાં મોટી સફળતા મેળવી છે. ગત ૧૯ જૂન ૨૦૨૬ ના રોજ ભાઈપુરામાં આવેલી ભગવાનદાસની ચાલી નજીક દીપક રામેશ્વર કોષ્ટી નામની વ્યક્તિની ભારે પથ્થરના ઘા ઝીંકીને ઘાતકી હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. આ કેસની તપાસમાં સક્રિય બનેલી ક્રાઇમ બ્રાન્ચની પેટ્રોલિંગ ટીમે ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરીને મુખ્ય શંકાસ્પદ આરોપી ૪૨ વર્ષીય મંગલ ઉર્ફે બાબા બાબુભાઈ નાગુભાઈ બોકડેને લાલભાઈ સેન્ટર પાસેથી કોર્ડન કરીને દબોચી લીધો હતો. સઘન પૂછપરછ દરમિયાન આરોપી મંગલ ઉર્ફે બાબા બોકડેએ પોતાનો ગુનો કબૂલતા જણાવ્યું હતું કે, નશાની હાલતમાં બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અને દીપકે તેના પર પહેલા પથ્થર ફેંક્યો હતો, જેથી ઉશ્કેરાઈ જઈને તેણે એક મોટા પથ્થર વડે દીપક રામેશ્વર કોષ્ટીને કચડી નાખ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપીને બીએનએસએસ (BNSS) ની માર્ગદર્શિકા હેઠળ કસ્ટડીમાં લઈ આગળની કાયદેસરની કાર્યવાહી માટે ખોખરા પોલીસ સ્ટેશનને સોંપી દીધો છે.

(2:50 PM IST)