તા. ૪ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૪ મંગળવાર
News of Thursday, 28th May 2026
અમદાવાદના કાયદાના લીરા ઉડ્યા :સાબરમતી વિસ્તારમાં ધોળાદિવસે ઘરમાં ઘુસીને પરિણીતાનું કારમાં અપહરણ
સાસુ કંઈ સમજે તે પહેલા જ આ શખ્સોએ બળજબરી પૂર્વક વહુને ખેંચીને બહાર ઉભેલી કારમાં બેસાડી દીધી હતી અને ત્યાંથી ફરાર થઈ ગયા

અમદાવાદના સાબરમતી વિસ્તારમાં ધોળાદિવસે રહેણાક વિસ્તારમાં ઘરમાં ઘુસીને એક પરિણીતાનું અપહરણ કરવામાં આવતા સમગ્ર એરિયામાં ફફડાટ વ્યાપી ગયો છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં અપહરણકર્તાઓ સફેદ રંગની ક્રેટા કારમાં આવતા દેખાય છે.
મળતી માહિતી મુજબ, સાબરમતી વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં આજે બપોરના સમયે સફેદ રંગની ક્રેટા કાર આવીને ઉભી રહી હતી. આ કારમાં ત્રણ યુવકો અને એક યુવતી સવાર હતા. આ ચારેય શખ્સો સીધા જ ટાર્ગેટ કરવામાં આવેલી યુવતીના ઘરમાં ઘૂસી ગયા હતા. તે સમયે યુવતી અને તેની સાસુ ઘરે હાજર હતા. સાસુ કંઈ સમજે તે પહેલા જ આ શખ્સોએ બળજબરી પૂર્વક વહુને ખેંચીને બહાર ઉભેલી કારમાં બેસાડી દીધી હતી અને ત્યાંથી ફરાર થઈ ગયા હતા.
ભોગ બનનાર યુવતીની સાસુએ આ મામલે સાબરમતી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કારમાં ચાર લોકો આવ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસ અને પરિવારની પૂછપરછમાં એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે અપહરણ કરનાર યુવક યુવતીનો પૂર્વ પ્રેમી હોઈ શકે છે. પ્રેમ પ્રકરણમાં નિષ્ફળતા મળતા અથવા અન્ય કોઈ અદાવત રાખીને આ અપહરણ કરવામાં આવ્યું હોવાની પ્રબળ શક્યતા છે.
ઘટનાની જાણ થતા જ સાબરમતી પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે સોસાયટી અને આસપાસના માર્ગો પર લાગેલા સીસીટીવીના આધારે આરોપીઓ અને પરિણીતાની શોધખોળ શરૂ કરી છે.
(4:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
