News of Wednesday, 16th September 2026
અમદાવાદના શીલજ કેનાલ રોડ પર અકસ્માત સર્જી મહિલાનું મોત નીપજાવી ફરાર થયેલ આરોપી બાઇક ચાલક ડુંગરપુરથી ઝડપાયો
આરોપી સુનિલ પરમારને બોપલ પોલીસે રાજસ્થાનના ડુંગરપુરથી ઝડપી પાડ્યો:DySP તપન ડોડીયાના માર્ગદર્શન હેઠળ સીસીટીવી અને સાક્ષીઓના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી

અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં આવેલા શીલજ કેનાલ રોડ પર સર્જાયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં બાઇક સવાર મહિલાનું કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જીને સ્થળ પરથી ફરાર થઈ ગયેલા આરોપી ચાલકને બોપલ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે છેક રાજસ્થાનથી ઝડપી પાડ્યો છે. અમદાવાદ ગ્રામ્યના નાયબ પોલીસ અધિક્ષક તપન ડોડીયાના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસે આ મામલે સઘન તપાસ ચલાવીને આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
પોલીસ તરફથી મળતી માહિતી અનુસાર, ગત 12 ઓગસ્ટની રાત્રિના સુમારે શીલજ કેનાલ રોડ પર આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મોપેડ પર સવાર સુનિલ ગણેશ પરમાર નામના યુવકે પોતાના વાહનને પૂરપાટ ઝડપે ચલાવીને સામેથી આવી રહેલી એક બાઇક સવાર નિર્દોષ મહિલાને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ભીષણ હતી કે મહિલા હવામાં ફંગોળાઈને રસ્તા પર પટકાઈ હતી. અકસ્માતમાં ગંભીર ઇજાઓ થતાં મહિલાને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેણે દમ તોડ્યો હતો.
દુર્ઘટના સર્જીને આરોપી પોતાની ઓળખ છુપાવી ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો. બોપલ પોલીસે બનાવ સ્થળ અને તેની આસપાસના માર્ગોના સીસીટીવી ફૂટેજ તેમજ પ્રત્યક્ષદર્શી સાક્ષીઓના નિવેદનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. સીસીટીવી અને ટેકનિકલ તપાસમાં બહાર આવ્યું હતું કે અકસ્માત સમયે આરોપીના વાહનની સ્પીડ અંદાજે 80 થી 100 કિમી પ્રતિ કલાક જેટલી તોફાની હતી, જેના કારણે તે વાહન પરથી કાબૂ ગુમાવી બેઠો હતો.
અમદાવાદ ગ્રામ્ય પોલીસ અને બોપલ પોલીસ સ્ટેશનની ટીમોએ સર્વેલન્સના આધારે આરોપીનું પગેરું મેળવ્યું હતું. આરોપી સુનિલ પરમાર ગુજરાત છોડીને રાજસ્થાન ભાગી ગયો હોવાની ચોક્કસ બાતમી મળતાં પોલીસે તાત્કાલિક રાજસ્થાનના ડુંગરપુર ખાતે દરોડો પાડીને તેને ઝડપી લીધો હતો. બોપલ પોલીસે આરોપીની વિધિવત ધરપકડ કરી તેની સામે કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે.
(7:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
