News of Sunday, 1st November 2026
ભરૂચના જંબુસર તાલુકાના નોંધણા ગામમાં સ્મશાનગૃહની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપો
ચિતા સ્થળે બનાવેલા પગથિયાંના ₹1 લાખના બિલ સામે સવાલો ઉઠ્યા:મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત:ગ્રામજનોએ સરકારી ગ્રાન્ટ, વિદેશી ફંડિંગ, બિલો અને ચૂકવણીઓની તપાસ માંગી

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના નોંધણા ગામમાં સ્મશાનગૃહની કામગીરી અને તેના ખર્ચને લઈને વિવાદ ઊભો થયો છે. સ્મશાનગૃહમાં ચિતા સ્થળે બનાવવામાં આવેલા પગથિયાં માટે ₹1 લાખનું બિલ રજૂ થયાના મુદ્દે સવાલો ઉઠાવવામાં આવ્યા છે. કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો સાથે ખર્ચ અને બિલોની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. જોકે, આ આક્ષેપોની હજુ સુધી સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
નોંધણા ગામના સ્મશાનગૃહમાં ચિતા સ્થળે બનાવવામાં આવેલા પગથિયાંની કામગીરી માટે ₹1 લાખનું બિલ હોવાના મુદ્દે વિવાદ ઉભો થયો છે. આ કામગીરી પાછળ થયેલા ખર્ચ, ઉપયોગમાં લેવાયેલી સામગ્રી અને કામની ગુણવત્તા અંગે સવાલો ઉઠાવવામાં આવ્યા છે. રજૂ થયેલા બિલ અને વાસ્તવિક કામગીરી વચ્ચે સુસંગતતા છે કે નહીં, તેની તપાસ કરવાની માગ કરવામાં આવી રહી છે.
આ સમગ્ર મામલે માહિતી મેળવવા માટે માહિતી અધિકાર કાયદા (RTI) નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જોકે, RTI હેઠળ માગવામાં આવેલી માહિતી અધૂરી આપવામાં આવી હોવાનો અરજદાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. સ્મશાનગૃહની કામગીરી સંબંધિત તમામ દસ્તાવેજો, ખર્ચની વિગતો, બિલો અને ચૂકવણીઓ અંગે સ્પષ્ટ માહિતી જાહેર કરવાની માગ ઉઠી છે.
આ મામલે વિરલભાઈ પટેલે RTI હેઠળ પૂરતી માહિતી નહીં મળવાના મુદ્દે બીજી અપીલ કરી છે. આ ઉપરાંત મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં પણ સમગ્ર પ્રશ્ન અંગે રજૂઆત કરવામાં આવી છે. અરજદાર દ્વારા સ્મશાનગૃહની કામગીરી અને નાણાકીય વ્યવહારોની તપાસ કરવાની માગ ઉઠાવવામાં આવી છે. હવે સંબંધિત તંત્ર આ રજૂઆતો અંગે શું કાર્યવાહી કરે છે, તેના પર સૌની નજર છે.
નોંધણા ગામના સ્મશાનગૃહની કામગીરીમાં વિદેશમાં વસતા ગામના યુવાનો દ્વારા આપવામાં આવેલા ફંડિંગ અને સરકારી ગ્રાન્ટના હિસાબો જાહેર કરવાની માગ પણ કરવામાં આવી છે. કયા સ્ત્રોતમાંથી કેટલું ભંડોળ મળ્યું અને તેમાંથી કઈ કામગીરી પાછળ કેટલો ખર્ચ કરવામાં આવ્યો, તેની પારદર્શક વિગતો રજૂ કરવા માગ ઉઠી છે.
(6:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
