News of Saturday, 25th April 2026
સુરતમાં આમ આદમી પાર્ટીમાં ટિકિટ માટે રૂપિયાની માંગણી કરાઈ હોવાના આક્ષેપો: સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી: સમગ્ર મામલાની સત્યતા બહાર લાવવા કાર્યવાહી હાથ ધરી

સુરતમાં આમ આદમી પાર્ટી (AAP)માં ટિકિટ માટે રૂપિયાની માંગણી કરવામાં આવી હોવાના આક્ષેપો સામે આવતા રાજકીય વર્તુળોમાં ચકચાર મચી છે. સમગ્ર મામલે સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે, જેમાં પાર્ટી સાથે સંકળાયેલા કેટલાક લોકો સામે ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે.
ફરિયાદીએ જણાવ્યું છે કે તેણે પોતાની પત્ની માટે વોર્ડ નં-1માંથી ટિકિટ મેળવવા પ્રયાસ કર્યો હતો, પરંતુ પાર્ટીના પ્રભારી દ્વારા ₹18 લાખની માંગણી કરવામાં આવી હતી. ફરિયાદ મુજબ, તેણે ₹3 લાખ ચૂકવ્યા બાદ પણ ટિકિટ આપવામાં આવી નહોતી. આ સાથે જ રૂપિયાની લેતી-દેતીનો કથિત વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હોવાનું સામે આવ્યું છે. પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે અને સમગ્ર મામલાની સત્યતા બહાર લાવવા કાર્યવાહી હાથ ધરી છે.
સોદો નક્કી થયા બાદ પણ પત્નીને ટિકિટ ન મળતા ફરિયાદી નવનીત નાવડીયા છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનું અહેસાસ થતા તેઓ સીધા પોલીસ કમિશનર કચેરી ખાતે પહોંચ્યા હતા. તેમણે પોતાની સાથે થયેલી છેતરપિંડી બાબતે રજૂઆત કરી ન્યાયની માંગ કરી છે. હાલ સરથાણા પોલીસ સ્ટેશનમાં આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલા લોકો સામે ફરિયાદ નોંધવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયો અને ફરિયાદીના આરોપો બાદ સુરત પોલીસે આ મામલે ઉંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે. ચૂંટણી ટાણે જ ટિકિટ વેચવાના આક્ષેપોને કારણે રાજકીય વર્તુળોમાં અનેક ચર્ચાઓ જાગી છે.
(1:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
