News of Sunday, 31st May 2026
માણેકચોક વિસ્તારમાં ધોળા દિવસે ચોરીની ઘટના સામે આવીઃ સીસીટીવી ફૂટેજ તપાસતા ચોરીનો ભાંડો ફૂટ્યો
સોનાના બિસ્કિટ ખરીદવા ૪૫ લાખ રૂપિયા રોકડા લઈને નીકળ્યો હતો કર્મચારી

અમદાવાદ,તા.૩૧:અમદાવાદના માણેકચોક વિસ્તારમાં ધોળા દિવસે ચોરીની ઘટના સામે આવી છે. સોનાના બિસ્કિટ ખરીદવા જઈ રહેલા એક ઝવેરી પેઢીના કર્મચારીની બેગમાંથી એક ગઠિયો ભરબજારમાં ૫ લાખ રૂપિયાથી વધુની રોકડ રકમ સેરવીને રફુચક્કર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટના નજીકની દુકાનના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેના આધારે ખાડિયા પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ આદરી છે.
મળતી માહિતી અનુસાર, મોટેરા વિસ્તારમાં રહેતા અને માણેકચોકની એક જ્વેલર્સ શોપમાં નોકરી કરતા અજયસિંહ રાજપુતે આ મામલે ખાડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ગઈકાલે (૨૯મી મે) બપોરે પેઢીના માલિકે અજયસિંહને સોનાના બિસ્કિટ ખરીદવા માટે ૪૫ લાખ રૂપિયાની રોકડ ભરેલી બેગ આપીને નજીકમાં આવેલી એક બુલિયન ઓફિસે મોકલ્યા હતા. અજયસિંહ આ મોટી રકમ ભરેલી બેગ લઈને ચાલતા બુલિયન ઓફિસે પહોંચ્યા હતા. ત્યાં વેપારીએ જ્યારે નાણાંની ગણતરી શરૂ કરી ત્યારે કુલ રકમમાંથી ૫.૫૦ લાખ રૂપિયા ઓછા હોવાનું સામે આવ્યું હતું.
નાણાં ઓછા હોવાની જાણ થતાં જ કર્મચારી અજયસિંહે તુરંત શેઠને ફોન કરીને આ અંગે તાણ કરી હતી. ત્યારબાદ વેપારી અને કર્મચારી બંનેએ માણેકચોકના રસ્તા પર આવેલી જુદી-જુદી દુકાનોના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા.
આ તપાસ દરમિયાન એક દુકાનના ફૂટેજમાં ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા હતા. સીસીટીવીમાં સ્પષ્ટ દેખાયું હતું કે, જ્યારે અજયસિંહ રોકડ ભરેલી બેગ ભરાવીને રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા અને મોબાઈલમાં વ્યસ્ત હતા, ત્યારે પાછળથી આવેલા એક ગઠિયાએ તેની નજર ચૂકવીને બેગની ચેઈન ખોલી નાખી હતી. ગઠિયો ચપળતાપૂર્વક એક પછી એક એમ નોટોના બંડલ કાઢી લીધા હતા અને ૫.૫૦ લાખ રૂપિયાની ચોરી કરીને ભાગી ગયો હતો.
ભરબજારમાં બનેલી આ ઘટનાને પગલે વેપારી આલમમાં પણ ચિંતા વ્યાપી ગઈ છે. હાલમાં ખાડિયા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ઓળખ મેળવવા અને તેને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવીને વિવિધ દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે.
(11:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
