<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th May 2026

આણંદ ....રૂ. ૭૭૦ કરોડનું આંતરરાષ્ટ્રીય કૌભાંડ પકડાયું

આણંદ સાયબર ક્રાઇમ પોલીસ સ્‍ટેશનની ટીમે મોટા આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ કૌભાંડનો પર્દાફાશ કર્યો : આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ કૌભાંડની ગેંગનો સાગરિત ઝડપાયોઃ ૧૪૯ બેંક એકાઉન્‍ટ દ્વારા દેશભરમાં સાયબર ઠગાઈઃ ૭૯૫ NCCRP ફરિયાદો અને ૩૦ FIR નોંધાયેલી હતી;પાકિસ્‍તાન, UAE અને યુગાન્‍ડા સુધી નાણાં ટ્રાન્‍સફરનો ખુલાસો

આણંદ તા.૨૭: આણંદ સાયબર ક્રાઇમ પોલીસ સ્‍ટેશનની ટીમે મોટા આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આ કૌભાંડમાં રૂ. ૭૭૦ કરોડથી વધુની રકમની છેતરપિડી કરવામાં આવી હોવાનું સામે આવ્‍યું છે. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા ગેંગના એક મુખ્‍ય સાગરીત દક્ષેશભાઈ નથુભાઈ પટેલની ધરપકડ કરી છે.

પોલીસ તપાસમાં બહાર આવ્‍યું છે કે, આરોપીઓ દ્વારા એક વિશાળ નેટવર્ક ઊભું કરવામાં આવ્‍યું હતું, જેના દ્વારા દેશભરમાં સાયબર ઠગાઈ આચરવામાં આવતી હતી. આ ગેંગે કુલ ૧૪૯ બેંક એકાઉન્‍ટ્‍સનો ઉપયોગ કરીને નાણાકીય વ્‍યવહારો કર્યા હતા. આ એકાઉન્‍ટ્‍સ દ્વારા નાણાંની હેરફેર કરવામાં આવતી હતી જે છેક પાકિસ્‍તાન, યુએઈ (UAE) અને યુગાન્‍ડા સુધી પહોંચતા હોવાના ચોંકાવનારા પુરાવા પોલીસના હાથ લાગ્‍યા છે.

આ ગેંગની મોડસ ઓપરેન્‍ડી એટલી વ્‍યાપક હતી કે દેશભરમાંથી કુલ ૭૯૫ NCCRP (નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ) ફરિયાદો નોંધાયેલી હતી, જેની સામે પોલીસે અત્‍યાર સુધી ૩૦ અલગ-અલગ FIR નોંધી તપાસ હાથ ધરી હતી.

આ ગુનામાં સંડોવાયેલા મહેસાણા જિલ્‍લાના રહેવાસી દક્ષેશભાઈ નથુભાઈ પટેલને આણંદ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા દબોચી લેવામાં આવ્‍યો છે. આ ધરપકડને સાયબર ક્રાઇમ પોલીસની એક મોટી સફળતા માનવામાં આવે છે. હાલમાં પોલીસ દ્વારા આરોપીની કડક પૂછપરછ કરવામાં આવી રહી છે, જેથી આ કૌભાંડમાં સામેલ અન્‍ય મુખ્‍ય સૂત્રધારો સુધી પહોંચી શકાય.

(10:37 AM IST)