News of Wednesday, 8th July 2026
સાગબારાના ખોપી સહિત અન્ય ગામોના ખેડૂતોમાં રોષ, વન વિભાગ સાથે ઘર્ષણ; ન્યાયની માંગ સાથે ભાજપ મહિલા મોરચા પ્રમુખનું રાજીનામું
તેમણે જણાવ્યું હતું કે ખેડૂતોને ન્યાય મળે અને લાંબા સમયથી પેન્ડિંગ પડેલી અરજીઓનો કાયદેસર નિકાલ કરવામાં આવે તે અત્યંત જરૂરી છ

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ખોપી ગામ સહિત આસપાસના અન્ય ગામોના ખેડૂતો અને વન વિભાગના કર્મચારીઓ વચ્ચે બોલાચાલી બાદ ઘર્ષણ જેવી સ્થિતિ સર્જાતા સમગ્ર વિસ્તારમાં તણાવનો માહોલ જોવા મળ્યો હતો. વર્ષ 2005થી ખેતી કરતા ખેડૂતોનો આક્ષેપ છે કે તેઓ વર્ષોથી જમીન પર ખેતી કરી રહ્યા હોવા છતાં વન વિભાગ દ્વારા સતત હેરાનગતિ કરવામાં આવી રહી છે. ખેડૂતોના જણાવ્યા મુજબ તેમની વન અધિકાર કાયદા હેઠળની અરજીઓવર્ષોથી પેન્ડિંગ છે. અરજીઓનો સમયસર નિકાલ કરવાના બદલે વન વિભાગ દ્વારા ખેતીમાં અવરોધ ઉભા કરવામાં આવતા ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે.
આ મુદ્દે ખેડૂતોના સમર્થનમાં ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાના સ્થાનિક પ્રમુખે પણ પોતાના તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યાની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ખેડૂતોને ન્યાય મળે અને લાંબા સમયથી પેન્ડિંગ પડેલી અરજીઓનો કાયદેસર નિકાલ કરવામાં આવે તે અત્યંત જરૂરી છે.
ખેડૂતોએ ચેતવણી આપતા જણાવ્યું હતું કે જ્યાં સુધી તેમને ન્યાય નહીં મળે અને વન અધિકાર કાયદા હેઠળની અરજીઓનો યોગ્ય નિર્ણય નહીં થાય, ત્યાં સુધી તમામ આદિવાસી ખેડૂતો એકજૂથ રહી પોતાના હક્ક માટે લડત ચાલુ રાખશે.
આ સમગ્ર ઘટનાને લઈને સાગબારા પંથકમાં ભારે ચર્ચા જાગી છે. ખેડૂતો દ્વારા સરકાર અને સંબંધિત વિભાગને તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરીને ખેડૂતોને રાહત આપવા તેમજ વર્ષોથી પેન્ડિંગ પડેલી અરજીઓનો કાયદેસર અને ઝડપથી નિકાલ કરવાની માંગ કરવામાં આવી છે.
(10:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
