News of Wednesday, 25th November 2026
ગાંધીનગરના ખોરજ-લીંબડીયા પાસે નર્મદા મુખ્ય કેનાલમાં મિત્રને બચાવવા કૂદેલો અર્જુન તેજ પ્રવાહમાં તણાઈ જતાં લાપતા
બસ ધોવા માટે પાણી લેવા ઉતરેલો રોહિત લપસી પડતાં અર્જુન તેને બચાવવા કૂદ્યો:રોહિતનો જીવ બચી ગયો જ્યારે અર્જુનની શોધખોળ માટે ફાયર બ્રિગેડ અને સ્થાનિક તરવૈયાઓની ટીમ કામે લાગી

ગાંધીનગર નજીક ખોરજ-લીંબડીયા પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં કરુણ ઘટના બની છે. કેનાલમાં ડૂબી રહેલા મિત્રને બચાવવા માટે પાણીમાં ઝંપલાવનાર યુવક તેજ પ્રવાહમાં તણાઈ જતાં લાપતા થયો છે. જોકે, ડૂબી રહેલો તેનો મિત્ર હેમખેમ બહાર નીકળી ગયો હતો. ઘટનાની જાણ થતાં ગાંધીનગર ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. કલાકોની શોધખોળ બાદ પણ યુવકનો પત્તો નહીં લાગતાં બહિયલના સ્થાનિક તરવૈયાઓની મદદ લેવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, અમદાવાદના મેમ્કો વિસ્તારમાં રહેતા રોહિત અને અર્જુન નામના બે યુવકો ટ્રાવેલ્સના વ્યવસાય સાથે સંકળાયેલા છે. બંને મિત્રો ટ્રાવેલ્સની બસ લઈને ચોટીલા તરફ જવા નીકળ્યા હતા. મુસાફરી શરૂ કરતાં પહેલાં બસની સફાઈ કરવા માટે તેઓ ગાંધીનગર નજીક ખોરજ-લીંબડીયા પાસેથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલ પાસે રોકાયા હતા. આ દરમિયાન બસ ધોવા માટે પાણી ભરવાના હેતુથી રોહિત ડોલ લઈને કેનાલનાં પગથિયાં ઊતર્યો હતો. જોકે, કેનાલની પાળી પર લપસણું હોવાને કારણે અચાનક તેનો પગ લપસી ગયો હતો અને તે સંતુલન ગુમાવી ઊંડા પાણીમાં ગરકાવ થવા લાગ્યો હતો.
પોતાની નજર સામે મિત્ર રોહિતને ડૂબતો જોઈ અર્જુન તેને બચાવવા માટે તરત જ કેનાલમાં કૂદી પડ્યો હતો. અર્જુને હિંમત બતાવી મિત્રને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. ભારે જહેમત બાદ રોહિત પાણીમાંથી બહાર નીકળવામાં સફળ રહ્યો હતો અને તેનો જીવ બચી ગયો હતો. જોકે, કમનસીબે અર્જુન કેનાલના ઊંડા પાણી અને તેજ પ્રવાહમાં ફસાઈ ગયો હતો. તે પાણીમાંથી બહાર આવી શક્યો નહોતો અને જોતજોતામાં લાપતા થઈ ગયો હતો. આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.
ઘટનાની જાણ થતાં જ ગાંધીનગર ફાયર બ્રિગેડ અને સ્થાનિક પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરી કેનાલમાં અર્જુનની શોધખોળ હાથ ધરી હતી. કલાકો સુધી શોધખોળ કરવા છતાં અર્જુન મળી આવ્યો નહોતો. બીજી તરફ, ઘટનાની જાણ થતાં જ અર્જુનના પરિવારજનો અને મિત્રો પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ફાયર બ્રિગેડની ટીમને સફળતા ન મળતાં પરિવારજનોએ દહેગામના બહિયલ વિસ્તારના સ્થાનિક તરવૈયાઓની ટીમને બોલાવી હતી. હાલમાં પોલીસ અને ફાયર બ્રિગેડની હાજરીમાં સ્થાનિક તરવૈયાઓ દ્વારા કેનાલમાં લાપતા અર્જુનની શોધખોળ કરવામાં આવી રહી છે.
(11:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
